પ્રખ્યાત લોક સાહિત્યકાર ઇસરદાન ગઢવીના પુત્રી શ્રદ્ધા ગઢવી સહિત વિદેશી ગીટારિસ્ટના પરફોર્મન્સ સાથે ગાયેલા ગીતને વિદેશમાં મળેલો અભૂતપૂર્વ આવકાર મોરબી : થોડા સમય પહેલા જીજે 36 નામે રજૂ થયેલા ગીતે ધૂમ મચાવી હતી ત્યારે હવે એ ગીતના ગાયકો દ્વારા ગવાયેલા બીજા ગીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરતા મોરબીનું નામ વિશ્વફલક પર ગુંજતું કર્યું છે. મોરબીના ડોકટર હર્ષવર્ધન ગઢવી અને લોક સાહિત્યકાર ઇસરદાન ગઢવીના પુત્રી શ્રદ્ધા ગઢવીએ ગયેલા આ ગીતને બ્રાઝીલ જેવા દેશમાં અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત થઈ છે. ત્યારે આ ઓડીઓ ગીતનું વિડિઓ વર્ઝન રજૂ થતા જ સંગીત રસિયાઓમાં ખાસુ લોકપ્રિય બન્યું છે. મોરબી ખાતે આયુર્વેદિક ડૉક્ટરીની પ્રેક્ટિસ કરતા ડૉ. હર્ષવર્ધન ગઢવી અને લોક સાહિત્યકાર ઇસરદાન ગઢવીના પુત્રી શ્રદ્ધા ગઢવીએ તાજેતરમાં જ 'યાદ' નામના સોન્ગનું ઓડીઓ વર્ઝન રજૂ કર્યું હતું, જેને બ્રાઝીલ દેશમાં ત્યાંના સંગીત રસિયાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. હવે એ ગીતનું વિડિઓ વર્ઝન રજૂ થતા જ જે લોકોએ એ ગીત માણ્યું ન હતું તેઓમાં પણ ગીત ખાસુ લોકપ્રિય બની રહ્યું છે. 'બિન તેરે મેરા જી ના લગે'ના શબ્દો દ્વારા પ્રેમની ઉત્કૃષ્ટ અને ઉત્ત્કઠ અભિવ્યક્તિ વ્યક્ત કરતા આ ગીતની અનેક વિશેષતાઓ છે, જેમ કે, આ ગીત ભારતીય શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો સમન્વય કરીને એટલે કે ફ્યુઝન કરીને બનાવવામાં આવ્યું છે. જેમાં દેશી-વિદેશી-સંસ્કૃતિનો અદભુત તાલમેલ જોવા-સાંભળવા મળે છે. ગીતનો ઉપાડ ગિટારથી થાય છે અને ક્યારે તાનપુરામાં એ લય એકાકાર થઈ જાય છે એ દર્શક-શ્રોતા સમજે એ પહેલાં જ ગીત એવું તો જમાવટ કરવા લાગે છે કે આ ફ્યુઝન છે એ ભૂલી જવાય છે. ઈલેક્ટ્રિક ગિટાર, તાનપુરો અને ઇલેક્ટ્રિક ડ્રમ સેટ સિવાય બહુધા વાદ્યોનો ઉપયોગ થયો ન હોવાથી લિરિકસ (ગીતના શબ્દો) વધુ માણવાલાયક અને કર્ણપ્રિય બન્યા છે. શાસ્ત્રીય ગીત સાંભળવાની સમજ ન ધરાવતા દર્શકો-શ્રોતાઓને પણ ગીત પૂરેપૂરું માણવું ગમે એવું બન્યું છે એનું એક વધુ સબળ કારણ ગીતની સિનેમેટોગ્રાફી (દ્રશ્યો) છે. ગુજરાતના માંડવી ખાતેના વિજયવિલાસ પેલેસના દ્રશ્યો એટલી ઉત્તમ રીતે કચકડે કંડારાયા છે કે રજવાડી માહોલમાં દર્શક ખુદબખુદ પ્રવેશી જાય છે. માંડવીના દરિયાકિનારાના ભૂરા પાણી રંગની અજબ આભા ઉભી કરે છે ત્યારે ગાયક-કલાકાર શ્રદ્ધા ગઢવી જાજરમાન લાગે છે. જયપુર-ઉદેપુરના બહારના અને ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યો ગીતને બિગ કેનવાસ સુધી દોરી જવામાં નિર્ણાયક રહે છે. માત્ર દેશના જ નહીં વિદેશ (બ્રાઝીલ)માં શૂટ થયેલા દ્રશ્યો ગીતને ખરા અર્થમાં ફ્યુઝનનો ટચ આપવામાં સુપેરે કામયાબ રહે છે. ગુસ્તાવો કાર્લવાલ્હો બ્રાઝીલમાં ખ્યાતનામ ગીટારિસ્ટ છે, જેઓએ ગ્રેમી એવોર્ડ સમકક્ષ સંગીતનો એવોર્ડ બ્રાઝીલમાં પ્રાપ્ત કરેલો છે, જે આ ગીતમાં ખુદ ગિટાર પર પરફોર્મન્સ કરે છે, જે જોવાનો લ્હાવો ઉત્તેજક છે. ઉલ્લેખનીય છે કે આ ગીતનું ઓડીઓ એન્જીનીયરીંગ (અવાજનું મિક્સિંગ) 27 ગ્રેમી એવોર્ડ (સંગીતના સર્વોચ્ચ એવોર્ડ) વિનર એવા કાર્લોસ ફેરીતાસે કર્યું છે. જેઓ પણ આ ગીતથી ખૂબ પ્રભાવિત થયા હતા. બ્રાઝીલ સંગીતની યુનિવર્સીટીના પ્રોફેસરે આ ગીત વારંવાર સાંભળીને કહ્યું હતું કે બહુ ઓછા આવા ફ્યુઝન સાંભળ્યા છે જે વારંવાર સાંભળવાનું મન થયા રાખે. ઓલ અવર મોરબી સહિત ગુજરાતના સંગીત રસિયાઓ માટે આ ફ્યુઝન સોન્ગ એક ગૌરવ લેવા જેવી બાબત છે અને હા શ્રદ્ધા ઇસરદાન ગઢવી એ પંડિત જશરાજની શિષ્યા છે, પછી તો આ ગીત વિશે હવે કશું કહેવાનું બાકી રહેતું જ નથીને? અહીં આપેલી લિન્કમાં આપ એ ગીત માણી શકશો જેનાં મીડિયા પાર્ટનર મોરબી અપડેટ છે. https://youtu.be/ggwCH1fnzYw