મોરબી : મોરબી શહેરમાં માળખાગત સુવિધાઓના રખરખાવની જાળવણીના અભાવે ઘણી સમસ્યાઓ તો છે જ વધુમાં રખડતા ઢોરનું ન્યુસન્સ પણ ઠેર ઠેર જોવા મળે છે. આવા ઢોરોને કારણે ટ્રાફિકજામ, ગંદકી અને નાગરિકોને ઇજા પહોંચાડવા જેવી સમસ્યા પણ વકરી રહી છે. ગત તા. 4 ના રોજ આવા જ એક બનાવમાં બે ખૂંટિયા વચ્ચે જાહેર રસ્તા પર ચાલી રહેલી લડાઈમાં મોરબીની એક આશાસ્પદ વિદ્યાર્થીનીનો જીવ ગયો હતો. નિર્દોષ એવી આ વિદ્યાર્થીની કોલેજે જઈ રહી હતી ત્યારે બે પૈકી એક ખૂંટિયાએ વિદ્યાર્થિનીને ઢીંક મારી ઇજા પહોંચાડતા સારવાર દરમ્યાન વિદ્યાર્થીનીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે મોરબીવાસીઓના સવાલ પૂછી રહ્યા છે હવે તંત્ર ક્યારે જાગશે ? બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શકત શનાળામાં પાર્ટી પ્લોટ નજીક નજીક પરિવાર સાથે રહેતી કૃપા પ્રેમજીભાઈ ઘેટીયા ઉં.વ.17 નામની વિદ્યાર્થીની કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોય તા. 4 ના રોજ સવારે કોલેજ જવા નીકળી હતી. ઘરથી થોડે જ દૂર પહોંચતા રસ્તા પર બાખડી રહેલા બે ખૂંટિયા પૈકી એકે કૃપાને ઢીંકે ચડાવતા તેણી ઇજાગ્રસ્ત થઈ હતી. આ હાલતમાં પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલે ખસેડતા સારવાર દરમ્યાન તેણીએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. લોકોમાં આ બનાવથી દહેશતનો માહોલ ફેલાવવા સાથે આક્રોશ વ્યાપી ગયો છે. છાસવારે રખડતા ઢોરને કારણે નાના મોટા અકસ્માતો બનતા રહે છે ત્યારે નીંભર પાલિકા તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગે છે કે હજુ કોઈ નિર્દોષનો ભોગ લેવાય છે તે હવે જોવું રહ્યું.