સુરતમાંથી બાળકને અપહરણ કરીને મોરબી લાવી ખંડણી માગતા હોવાની બાતમી મળતા એ ડિવિઝન અને એલસીબીએ તુરંત કાર્યવાહી કરી મોરબી : સુરતમાંથી એક બાળકનું અપહરણ કરીને અપહરણકારો તે બાળકને મોરબી લાવીને ખંડણી માંગતા હોવાનું સુરતની પોલીસની તપાસમાં ખુલ્યા બાદ આ અંગે યોગ્ય તપાસ કરવાની સૂચના મળતા બનાવની ગંભીરતા પારખીને મોરબી એ ડિવિઝન પોલીસ અને એલસીબી હરકતમાં આવી હતી.આ પોલીસની જૂદીજુદી ટીમો બનાવીને સઘન તપાસ કરીને અપહૃત બાળકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવીને અપહરણકાર દંપતીની ધરપકડ કરી હતી અને આ બાબતે સુરત પોલીસને વાકેફ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના કડોદરા જીઆઇડીસી વિસ્તારમાંથી એક 11 વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણકારો બાળકને મોરબી લાવી કોઈ સ્થળેથી બાળકના પરિવારજનો પાસેથી ખંડણી માંગતા હોવાની સુરતની સ્થાનિક પોલીસે મોરબી પોલીસને જાણ કરી હતી.જેના પગલે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી ચૌધરીએ આ બનાવ મામલે તાકીદે યોગ્ય તપાસ કરવાની સૂચના આપી હતી.જેથી મોરબી એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસની જુદીજુદીટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરી હતી.તેમજ શહેરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ સીસીટીવીના સર્વલેન્સ રૂમમાં ચકાસ્યા હત.બાદમાં પોલીસની ટીમોએ શહેરના જુદાજુદા સ્થળે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરતમાં અપહરણ થયેલા બાળકનું વર્ણન મુજબના બાળક અને અન્ય બે બાળકોને સાથે લઈને એક દંપતી ખાખરેચી ગેઇટ પાસેથી રિક્ષામાં લઈને જતા જોવા મળ્યા હતા.આથી પોલીસે તુરંત આ રિક્ષાને અટકાવી દંપતીની પૂછપરછ કરતા તેની સાથે રહેલો સચિન નંદકિશોર યાદવ ઉ.વ 11 નામના બાળકનું સુરતમાંથી અપહરણ કરીને લાવ્યા હોવાની કબૂલાત આપી હતી.તેમજ સાથે રહેલા અન્ય બે બાળકો પોતાના સંતાનો હોવાનું જણાવ્યું હતું.આથી પોલીસ અપહરણકાર દંપતી શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ અને તેની પત્ની રાનીદેવીની ધરપકડ કરી હતી.તેમજ અપહૃત બાળકને મુક્ત કરાવી તેનો કબ્જો સુરત પોલીસને સોંપ્યો હતો.આ કામગીરીમાં મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, સ્ટાફનાં મણિલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખરભાઈ મોરી, મહેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા,ચકુંભાઈ કરોતરા, રણજીતસિંહ ગઢવી,જયપાલસિંહ, અજીતસિંહ, ફતેહસિહ અને રીટાબા ઝાલા તેમજ એલસીબીના આસિફભાઈ ચાણક્ય, ભરતભાઇ ઝીલરીયા, જયેશભાઇ વાઘેલા જોડાયા હતા.