208 GIDC અને 150000 ઉધોગકારોનું પ્રતિનિધિત્વ કરતા એસો.ના પ્રમુખ તરીકે મોરબીના યુવા ઉદ્યોગપતિની વરણી થતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા મોરબી : મોરબીના વરમોરા ગ્રૂપના એમડી પ્રકાશભાઈ વરમોરાની ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદે વરણી થઈ છે. આજે ગાંધીનગર ખાતે એસોસિએશનની ચૂંટણી યોજાયા બાદ તેઓની પ્રમુખ પદે નિમણુંકની જાહેરાત કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાતની તમામ 208 GIDC અને 150000 ઉધોગકારોનું પ્રતિનિધિત્વ કરતું સરકાર માન્ય એસોસિએશન છે. આ એસો.ના પ્રમુખ પદે મોરબીના યુવા ઉદ્યોગપતિની પ્રકાશભાઈ વરમોરાની વરણી થવી મોરબી માટે ગૌરવ કહી શકાય. પ્રકાશભાઈ અનેક ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નોને વાચા અપાવવા માટે કાર્યરત છે. ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝને લગતી વિવિધ રિસર્ચ માટે પણ તેઓ જાણીતા છે. તેઓ જાગૃત ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવે છે. આ સાથે તેઓ સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે. તેઓની પ્રમુખ પદે નિમણૂક થતા ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આ તકે પ્રકાશભાઇ વરમોરાએ જણાવ્યું કે પ્રમુખ પદે અનેક જવાબદારીઓ હોય છે. હું ખાતરી આપું છું કે સૌને સાથે લઈને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ગરિમા વધુ ઊંચાઈએ પહોંચે તે રીતે કામગીરી કરીશ. ઉધોગકારોના પ્રશ્નોને વાચા આપી તેનો કાયમી ઉકેલ લાવવાના પ્રયાસો કરીશ.