છેલ્લા બે માસથી ગટરના પાણી ભરાયેલા હોય અને હમણાં પડેલા વરસાદથી બદતર સ્થિતિ થઈ જવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકો વિફર્યા : મોટી સંખ્યામાં લોકોએ માધાપરના નાકા તેમજ જડેશ્વર મંદિર પાસે રોડ પર ચક્કાજામ કરતા વાહન વ્યવહાર ખોરવાયો : માધાપર બાદ જડેશ્વર મંદિર પાસે ચક્કાજામ કરતા લોકોને પોલીસે ડિટેઇન કર્યા મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં નીંભર તંત્રના પાપે ગટર ઉભરાવવાની ભયંકર સમસ્યા માજા મૂકી છે.છેલ્લા બે માસથી ગટર ઉભરાતી હોય અને હમણાં પડેલા વરસાદથી ગટરની ગંદકીથી ભયંકર પરિસ્થિતિ સર્જાવા છત્તા તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકો વિફર્યા હતા.મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ મધપરના નાકા પાસે મેઈન રોડ ચક્કાજામ કરી દીધો હતો.જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો.માધાપર બાદ લોકોએ જડેશ્વર મંદિર પાસે ચક્કાજામ કર્યો હતો આથી વાહન વ્યવહાર ખોરવાતા પોલીસે ચક્કાજામ કરતા તમામ લોકોને ડિટેઇન કર્યા હતા. મોરબીના માધાપર વિસ્તારમાં ગટરની ઉભરાતી ભયકર ગંદકીના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તેમાંય તંત્ર સતત ઉઠા જ ભણાવતું હોવાથી સ્થાનિક લોકોએ રોષે ભરાયા હતા અને તંત્રના પાપે ગટરની સમસ્યા હદ બહારની વકરતા સ્થાનિક લોકોની આકરી કસોટીનો આજે અંત આવી ગયો હતો અને ધીરજ ગુમાવતા આજે મોટી સંખ્યામાં લોકોએ માધાપર વિસ્તારના નાકા તેમજ જડેશ્વર મંદિર પાસે મેઈન રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો.જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની કતારો લાગી હતી.આ બનાવને પગલે પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા અને એક કલાક સુધી ચક્કાજામ રહ્યા બાદ આ સ્થળે મામલો થાળે પડ્યો હતો. ચક્કાજામ કરતા સ્થાનિક લોકોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, માધાપર વિસ્તારમાં છેલ્લા બે માસથી ભૂગર્ભ ગટર ચોંકઅપ હોવાથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને ગટરના ગંદા પાણી આ વિસ્તારની શેરી ગલીમાં અને લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.આ મામલે તંત્રને અનેક રજૂઆતો કરી હતી.પણ તંત્રના બહેરા કાને એકપણ રજુઆત અથડાઈ નથી.તેમજ અગાઉ ઉપવાસ આંદોલન કરવા છત્તા તંત્રના પેટનું પાણી હલ્યું નથી.તંત્ર માત્ર ઉઠા જ ભણાવે છે.ત્યારે હમણાં વરસાદ પડતાં ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે.આ વિસ્તાર ફરીથી ગટરની ગંદકીથી તરબોળ થતા સ્થાનિકોને પડતી હાલાકી તંત્ર સુધી પહોંચાડવા માટે આંદોલન કરવાની ફરજ પડી હોવાનું સ્થાનીક લોકોએ જણાવ્યું હતું. માધાપર પાસે લોકોએ દોઢ કલાક સુધી ચક્કાજામ કર્યા બાદ સ્ટેશન રોડ પર જડેશ્વર મંદિર પાસે ચક્કાજામ કર્યો હતો.જેથી વાહનનોની કતારો લાગી ગઈ હતી.જેના પગલે એ ડિવિઝન પીઆઇ આર.જે ચૌધરી અને પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લોકોને સમજવાનો પ્રયાસ કર્યો હતો અને જે તે સમસ્યા મામલે પાલિકામાં રજુઆત કરવા જવા અને ટ્રાફિકને બાનમાં ન લેવા જણાવ્યું હતું.તેમ છતાં ચક્કાજામ ચાલુ રાખતા પોલીસે ચક્કાજામ કરતા લોકોને ડિટેઇન કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.