મોરબી : મોરબીમાં આજે સતત વરસી રહેલા વરસાદે નવરાત્રીમાં રાસ ગરબે રમવા થનગનતા યુવાનોના ઉત્સાહ પર પેહલા નોરતે પાણી ફેરવી દીધું છે. ત્યારે વરસાદને કારણે સંકલ્પ અને પાટીદાર, ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પેહલા દિવસનો રાસોત્સવ મોકૂફ રાખવાની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. પણ મોરબીમાં આજે સતત વરસાદ ચાલુ હોવાથી આજના પ્રથમ નોરતે રાસ ગરબાના મોટાભાગના કાર્યક્રમો મોકૂક રાખવાની ફરજ પડી છે. જેમાં મોરબીમાં ગૌમાતાઓ તથા વિદ્યાર્થીઓના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ગુજરાતના નામાંકિત કલાકાર કીર્તિદાન ગઢવીના કર્ણપ્રિય સ્વરના સંગાથે આજે પ્રથમ નોરતે ખેલૈયા રાસ ગરબે રમવા ભારે ઉત્સાહિત હતા, પણ આજે સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પાટીદાર નવરાત્રી મહોત્સવ આજે પહેલા નોરતે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે આયોજક અજય લોરિયાએ જણાવ્યું હતું કે આજે વરસાદના કારણે એક દિવસ માટે મોકૂફ રાખ્યું છે. પરંતુ ખેલૈયાએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન એક દિવસ માટે વધારવામાં આવશે અને આજના પેહલા દિવસના પાસ છેલ્લા દિવસે ચાલવામાં આવશે. આથી પાટીદારના ખેલૈયાઓને આજના પાસ સાચવીને રાખવાનો અનુરોધ કર્યો છે. જયારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વસમાજ સમભાવની ભાવના સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવનાર તમામ સમાજની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. પરંતુ વરસાદના કારણે આજે પેહલા દિવસે એક દિવસ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે આયોજક દેવેન રબારીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે આજે એક દિવસ માટે સંકલ્પ મોકૂફ રાખ્યું છે. કાલથી રાબેતા મુજબ સંકલ્પ નવરાત્રી મહોત્સવ ચાલુ રહેશે. અને જરૂર પડ્યે નવરાત્રી મહોત્સવના દિવસો વધારવામાં આવશે. જયારે ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પણ વરસાદના કારણે આજે પ્રથમ દિવસે ગરબા મોકૂફ રાખવામાં આવ્યાનું જાહેર કર્યું હતું.