મોરબી : મોરબી સ્થિત સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે. ડી. બાવરવા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મોરબી-હળવદ રોડને ફોર લેન બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. મોરબી-હળવદ રોડ જે મોરબી જીલ્લામાં આવેલો છે. આ રોડ ઉપર હાલમાં મોટા પાયે ઔધોગિક વિકાસ થઇ રહ્યો છે. ઘણી બધી ફેકટરીઓ આવેલી છે અને નવી ફેક્ટરીઓ પણ બની રહી છે. રાજસ્થાનથી આવતી રોમટીરીયલ્સથી ભરેલી ટ્રકો પણ આ જ રોડ પર આવે છે. આ રોડ પર વારંવાર અકસ્માતો થાય છે અને અમુલ્ય માનવ જીવનનો ભોગ લેવાય છે. મોરબી–નેશનલ હાઇવે ૮-ફોર લેન છે. સામે હળવદથી અમદાવાદ સુધી પણ ફોર લેન છે. તો આ મોરબી-હળવદ રોડ કે જેની પર ખુબજ મોટા પ્રમાણમાં ટ્રાફિક છે. તેને પણ ફોર લેનમાં ફેરવવો જોઈએ તેવી સ્થાનિક લોકો તેમજ ઉદ્યોગકારોની માંગણી છે.ત્યારે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે. ડી. બાવરવા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાણીને મોરબી-હળવદ રોડને વહેલી તકે ફોર લેનમાં ફેરવવામાં આવે અને તેના કામને મંજુરી આપીને વહેલામાં વહેલી તકે કામ શરુ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.