વાંકાનેર : ગત રાત્રીના 11 વાગ્યાના સુમારે વાંકાનેર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી જતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ સામાન્ય ઇજાગ્રસ્ત ડ્રાયવર નાસી જતા પોલીસે તેની શોધખોળ આદરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી જતા ક્લીનરને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ ડ્રાયવર નાસી છૂટ્યો હતો. પોલીસની વધુ તપાસમાં ડ્રાયવર અને ક્લીનરે કેફી પીણું પીધેલું હોય તે અંગેનો અલગથી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. ક્લીનર કિરીટ ગોવિંદ ઉં.વ. 24 રહે. ખાંડીયા ગામ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગરને સામાન્ય ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે નાસી છૂટેલા ડ્રાયવરની શોધખોળ હાથ ધરાઈ છે. અકસ્માતના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ જતા પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો.