આશરે 800થી વધુ ખાતેદારોએ રોકેલા અંદાજીત 9 કરોડ રૂપિયા અટવાયા વાંકાનેર : વાંકાનેરની નવજીવન ક્રેડિટ બેંકની પેઢી રાતોરાત ઉઠી જતા રોકાણકારોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે. તેમાંય સામાન્ય વર્ગના ખાતેદારોની મરણમૂડી સમાન બચત ડૂબી જતાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ બેકની પેઢીએ આશરે 800થી વધુ ખાતેદારોનું નવ કરોડ રૂપિયાનું ફુલકું ફેરવી નાખ્યું છે. તેથી આ ખાતેદારોમાં ભારે કકળાટ મચી ગયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરની પોસ્ટ ઓફિસ સામે આવેલ નવજીવન ક્રેડિટ કો. ઓપ. બેકની પેઢીના ઉઠામણા થઈ ગયા છે. આ બેકની પેઢી અચાનક ઉઠી જતા રોકાણકારો રાતોરાત પાયમાલ થઈ ગયા છે. વર્ષ 2013માં શરૂ થયેલી મૂળ રાજસ્થાનની કહેવાતી આ નવજીવન ક્રેડિટ બેક દ્વારા રોકાણકારોને 11 ટકાનું તગડું વ્યાજ આપવામાં આવતું હતું.તગડા વ્યાજની લાલચ આપતા નાના મોટા આશરે 800થી વધુ રોકાણકારોએ નાણાં રોક્યા હતા. ત્યારે હવે આ બેકની પેઢી ઉઠી જતા નાના મોટા રોકાણકારોના રૂ.9.50 કરોડ જેવી રકમ ડૂબી ગઈ છે. જ્યારે રોકાણકારોના પૈસા ડૂબી જતાં આ લોકો આજે બેક ખાતે દોડી ગયા હતા અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જોકે બેંકની પેઢી ઉઠી જતા બેંકના બે કર્મચારીઓ તત્કાળ રજા ઉપર ઉતરી ગયા હતા. જ્યારે બેંકમાં હાજર એક કર્મચારી દ્વારા ખાતેદારોને માત્ર હૈયાધારણા આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના રોકાણકારોની મરણમૂડી સમાન બચતની રકમ ડૂબી જતાં તેઓ કફોડી હાલતમાં મુકાય ગયા હતા. રાજસ્થાનના કહેવાતા આ બેંકના એમડીને રાજસ્થાન એસઓજીએ ઝડપી લીધો હતો અને સધન તપાસ ચાલી રહી છે. ત્યારે રોકાણકારોના હાલ ડૂબેલા નાણા પરત મળશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વાંકાનેરમાં અંદાજિત દોઢ વર્ષ પહેલા સનસાઈન કો-ઓપરેટિવ બેન્ક ખાતેદારોના કરોડો રૂપિયાનું કરી બંધ થઈ ગઈ હતી. જેના ખાતેદારો અને એજન્ટો દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકે અને એસપી કચેરીએ લેખિત અરજી આપેલ હોવા છતાં હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી અને ખાતેદારોને તેની મરણમૂડી સમાન કોઈ પૈસા પાછા મળેલ નથી વાંકાનેરના વધુ એક બેંકના ઉઠમણાંથી ખાતેદારોમાં રોષ વ્યાપી ગયો છે.