તંત્ર નક્કર કાર્યવાહી ન કરતા રોગચાળો વકરવાનો ભય મોરબી : મોરબીમાં પાલિકા તંત્રના પાપે મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાય છે.ત્યારે શહેરના હાર્દ સમાં વિસ્તાર રામચોક પાસે છેલ્લા ત્રણ દિવસથી સતત ગટરના ગંદા પાણી ભરાયેલા છે.તેમ છતાં તંત્ર ગટરના ગંદા પાણીની સમસ્યા ઉકેલવામાં કોઈ તસ્દી ન લેતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. મોરબીના રામચોક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરની સમસ્યાએ અજગરી ભરડો લીધો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રામચોક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે.વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી વરસાદ પડ્યા બાદ આ વિસ્તારમાં ગટરના પાણી અને વરસાદના મિશ્રિત પાણીનો ભારે ભરાવો રહે છે.પાણીનો નિકાલ ન થવાથી વરસાદ પડ્યા બાદ આ ગંદા પાણી દિવસો સુધી ભરાઈ રહે છે.રામચોક વિસ્તારમાં અનેક હોસ્પિટલો, વેપારી સંકુલો તથા રહેણાક વિસ્તાર આવેલો છે.તેથી ગટરના ગંદા પાણી ભરાવવાથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે.તેથી પાલિકા તંત્ર વહેલી તકે ગટરની સઘન સફાઈ કરીને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.