મોરબી : અરવિંદભાઈ બારૈયા અને લાલાભાઈ આચાર્યના વડપણ હેઠળ ટંકારા અને મોરબી ગણેશ ઉત્સવના તમામ સભ્યો દ્વારા ટંકારાના બહાદુર પોલીસકર્મી પુથ્વીરાજસિંહ જાડેજાનુ સન્માન કરવાનુ આયોજન કર્યું હતું. સાથે ફિરોઝખાન પઠાણ અને પીએસઆઈ બગડા મેડમની કામગીરીને બિરદાવવા પોલીસ ટીમને મોરબી સિધ્ધિ વિનાયક ગણેશ ઉત્સવની મહાઆરતીનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. જેમા માજી ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. સિધ્ધિ વિનાયક ગ્રુપના અધ્યક્ષ અરવિંદ બારૈયા તથા પ્રતિક આચાર્યએ બહાદુર જવાનની કામગીરી બિરદાવી શાલ અને શીલ્ડ આપી આ સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ટંકારાના પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજા અને ફિરોજખાન પઠાણ દ્વારા, પાછલા દિવસોમાં ટંકારા ખાતે વરસી રહેલા વરસાદમાં ગોંઠણડૂબ પાણી વચ્ચે લોકોને બચાવવાની સાહસિક કામગીરી કરવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા થકી રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ થઈ હતી.