ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને નદીમાં તણાતા યુવાનનો જીવ બચાવી લીધો મોરબી : મોરબીના બગથળા ગામ પાસેની ફુલકુ નદીમાં ગતરાત્રે એક યુવાન તણાયો હતો. જોકે નદીમાં તણાતા યુવાનને મોબાઇલની લાઈટ ચાલુ રાખતા ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી.બાદમાં ગ્રામજનોએ યુવાનને બચાવીને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બિલિયા ગામે રહેતો મૂળ ઉપલેટા ગામના વતની ધવલકુમાર રજનીકાંત કાલરીયા નામનો યુવાન ગતરાત્રે 9 વાગ્યાની આસપાસ બગથળા ગામે વહેતી ફુલકી નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. જોકે તેની સાથે સ્કૂલની બેગ હોવાથી તે ભણવા અર્થે આવ્યો હોવાનું અનુમાન છે. જોકે આ યુવાન પાણીમાં તણાય ગયા બાદ આગળ હોકરા પાસે બાવળનું ઝુંડ પકડી લીધું હતું. પણ પાણીમાં તે બરોબરનો ફસાઈ ગયો હતો.જોકે મોબાઈલ પોતાની પાસે હોવાથી યુવાને સમય સુચકતા વાપરીને મોબાઈની લાઈટ ચાલુ રાખી હતી. રાત્રીના સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતા તેને નદીમાં લાઈટ ચાલુ દેખાઇ હતી. તેથી તેને લાગ્યું હતું કે, નદીના પાણીમાં કોઈક ફસાયું છે. તેથી આ વ્યક્તિએ ગામલોકોને જાણ કરી હતી. જેને પગલે રાત્રીના સમયે નદી પાસે ગામલોકો એકઠા થઇ ગયા હતા અને સરપંચ હરેશભાઇ કાંજીયા તલાટી મંત્રી ચંદ્રસલાની આગેવાનીમાં યુવાનને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.જેમાંથી કાંતિલાલ ચતુરભાઈ ઠોરિયાએ રાંઢવું બાંધીને નદીમાં જઈને પાણીમાં ફસાયેલા યુવાનને હેમખેમ મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. ગ્રામજનોની સતર્કતાથી યુવાનનો જીવ બચી ગયો હતો. આ યુવાન મોરબીમાં નોકરી કરે છે અને તેના પિતા બિલિયા ગામે ફેકટરીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ગતરાત્રે પોતાના મોટર સાઇકલ લઈને પરત બિલિયા ગામે જતો હતો.પણ ફુલકું નદીમાં પાણી તેને ઓછું હોવાનું લાગતા બાઇક લઈને પસાર થવાની કોશિશ કરતા તે પાણીના ધસમસતા વહેંનમાં તણાઈ ગયો હતો અને મોબાઇલની ફ્રેશ લાઈટ ચાલુ રાખતા તેનો જીવ બચી ગયો હતો.