શંકાસ્પદ હિલચાલ કરીને વિકૃત રીતે પજવણી કર્યાની પાડોશી શખ્સ સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરાઈ મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં પાડોશી શખ્સ શંકાસ્પદ હિલચાલ કરીને વિકૃત રીતે પજવણી કરતા પડોશી શખ્સને સ્થાનિકોએ ટપાર્યો હતો. આથી ઉશ્કેરાયેલા આ પડોશી શખ્સે તેની બાજુના મકાનમાં રહેતા યુવાનની ઘરની સામે વાવેલા વૃક્ષો કાપીને તેને કુહાડો લઈને મારવા દોડ્યો હતો. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર રહેતા હસમુખભાઈ દેવજીભાઈ મકવાણા ઉ.વ.26 નામના યુવાને તેમના પડોશમાં રહેતા ભુપતભાઇ પુનાભાઇ મકવાણાએ શંકાસ્પદ હિલચાલ કરી વિકૃત રીતે પજવણી કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાત્રીના સમયે મિલકત વિરોધી ગુનો કરવા નીકળતો હોવાનું ફરિયાદીન ઘરની પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં દેખાયું હતું. જ્યારે સ્થાનિક રહીશોની નાની મોટી ચીજ વસ્તુઓ ગાયબ થઈ જતી હોવાથી આરોપીઓ ચોરી કર્યાની શંકા જાગી હતી. તેમજ રાત્રીના સમયે તેમના ઘરના બારીમાં નજર નાખીને વકૃત હરકત કરતો હોવાનું પણ સીસીટીવી કેમેરામાં દેખાયું હતું. આથી ફરિયાદીએ આ બાબતની સ્થાનિક રહીશોને જાણ કરી હતી અને આરોપીની શંકાસ્પદ હિલચાલના સીસીટીવી ફૂટેજ દેખાડ્યા હતા. જેથી પોતાનો ભાંડો ફૂટી જતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને ગઈકાલે બપોરના સમયે કુહાડો લઈને ફરિયાદીએ ધર પાસે વાવેલા વૃક્ષોને કાપી નાખ્યા હતા અને કુહાડો લઈને ફરિયાદીને મારવા પાછળ દોડ્યો હતો આથી સ્થાનિક રહીશોએ આ બાબતની 100 નબરમાં પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો. બાદમાં પોલીસે આ પાડોશી શખ્સ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.