ધ્રાંગધ્રા અને માલવણ વચ્ચે બાઇકસવારને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડીને પલ્ટી મારી ગઈ મોરબી : મોરબીના ખરેડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક તેમની દિકરીને કલોલ મુકી ઘરે પરત કારમાં આવી રહ્યા હતા. ત્યારે તેમની કારને ધ્રાંગધ્રા અને માલવણ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં શિક્ષકના પત્નીનું ઘટના સ્થળે જ એકનું મોત થયું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ખરેડા ગામના પ્રાથમિક શાળા શિક્ષક દેવજીભાઇ કેશુભાઇ વાણીયા (ઉ.વ.55)ની કારને ધ્રાંગધ્રા અને માલવણ વચ્ચે ગઈરાત્રિએ અકસ્માત નડ્યો હતો. જેમાં તેમના પત્ની કાંતાબેન દેવજીભાઇ વાણીયા (ઉ.વ.53) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. શિક્ષક પતિની નજર સામે તેમના પત્નીનું મોત થતા ભારે અરેરાટી મચી ગઇ હતી. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર બાઈક સવારને બચાવવા જતા કાર ડીવાઈડર પર ચડી પલટી મારી જવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. શિક્ષક દંપતી કલોલ ગામે સાસરે તેમની દીકરીને મુકી વળતી વેળાએ અકસ્માત સર્જાતા કાંતાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને શિક્ષક દેવજીભાઇ કેશુભાઇ વાણીયાને ઇજા થતા હાલ હોસ્પીટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે.