મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ રાજબેન્ક વાળી શેરીમાં પરમ દિવસે પાર્ક થયેલા એક બાઇકની ગઠિયાએ ધોળાદિવસે ઉઠાંતરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. આ બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.જેમાં ગઠિયાએ બાઇકની ચોરી કરીને હંકારી જતો સ્પષ્ટપણે દેખાઈ છે. https://www.youtube.com/watch?v=_VQaDAp_20w આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર બહેનની સાથે રહેતા હેમાગભાઈ ગજ્જર મોરબીના રવાપર રોડ પર રાજબેંક વાળી શેરીમાં આવેલ કપડાંની દુકાન દીપ ફેશનમાં નોકરી કરે છે. તેઓ દરરોજ આ દુકાનમાં નોકરીએ આવીને પોતાનું બાઇક રાજબેક વાળી શેરીમાં પાર્ક કરે છે અને શનિવારે પણ સવારે નિત્યક્રમ મુજબ તેમણે પોતાનું જી.જે 01 ઇ ઝેડ 8785 નંબરનું બાઇક અહીંયા જ પાર્ક કર્યું હતું. બાદમાં તેઓ શનિવારે રાત્રે 10 વાગ્યે નોકરીમાંથી છૂટીને બાઇક જ્યાં પાર્ક કર્યું હતું તે સ્થળે ગયા તો ત્યાં બાઇક જોવા મળ્યું ન હતું આથી તેમણે આસપાસના સ્થળોમાં તપાસ કર્યા બાદ પત્તો ન લાગતા અંતે દીપ ફેશનમાં લગાવેલા કેમેરાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવક તેમનું બાઇક હંકારી જતો દેખાયો હતો. સીસીટીવી ફૂટેજ પ્રમાણે તેમના બાઇકની શનિવારે સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં ચોરી થઈ છે. આ અંગે હેમાંગભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે, આ ગઠિયાએ રેકી કરીને તેમના બાઇકની ચોરી કરી છે. કારણે કે તેમના દુકાનમાં આવ્યા પછી તેઓ રાત્રે જ પરત નીકળતા હોય તેનું ધ્યાન રાખીને ગઠિયાએ આ કરતબ અજમાવ્યો છે. જોકે તેમણે પોતાના બાઇકની ચોરી અંગે પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે.