ઉમિયા સર્કલ ખાતેથી રખડતા ઢોરને પકડીને પાંજરાપોળમાં રખાયા મોરબી : મોરબી પાલિકાએ આજે રાતથી ઢોર પકડવાની ઝુંબેશના શ્રી ગણેશ કર્યા છે. શહેરના માથાના દુઃખાવા સમાન સમસ્યાને નિવારવા માટે પાલિકાએ શરૂ કરેલી આ ઝુંબેશ કયા સુધી ચાલશે તે પણ મોટો પ્રશ્ન છે. હાલ તો પાલિકા જોશભેર આ કામમાં જોડાઈ છે. મોરબી પાલિકાએ આજથી ઉમિયા સર્કલ ખાતેથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. ઢોર પકડવાનો જેમને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તે 10 માણસો દ્વારા આજે રાતના પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડીયા અને મામલતદાર રૂપાપરાની ઉપસ્થિતિમા રખડતા ઢોર પકડયા હતા. આ વેળાએ પોલીસને પણ હાજર રાખવામાં આવી હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર પકડાયેલા ઢોરને પાંજરાપોળમા રાખવામાં આવશે. પાંજરાપોળમાં બે શિફ્ટમાં પાલિકાના 8 લોકો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે જિલ્લા કલેકટર દ્વારા પાંજરાપોળ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા અગાઉ પણ ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ઝુંબેશ થોડા જ સમય પૂરતી મર્યાદિત રહી હતી. ત્યારે આજથી ફરી શરૂ થયેલી ઝુંબેશ કયા સુધી ચાલે છે તે જોવું રહ્યું.