તંત્રના પાપે જોખમી બનતા માર્ગો પરના ખાડાઓ : જાનહાની થાય તે પહેલાં તંત્ર રોડનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ મોરબી : મોરબીમાં વરસાદી વાતાવરણને પગલે તંત્રના પાપે ખરાબ બની ગયેલા માર્ગો વધુને વધુ જોખમી બની ગયા છે. રોડ પરના ખાડાઓને કારણે વાહન ચાલકોને હાથ- પગ ખોખરા થઈ રહ્યા છે. ત્યારે આજે ઉમિયા સર્કલ પાસેના રોડ પર ખાડાને કારણે પડી જતા જીઆરડી મહિલાનો હાથ ભાંગી ગયો છે. સદનસીબે તેમને ફેક્ચર સિવાય કોઈ મોટી ઇજા થઇ નથી. પણ આ ઘટના બાદ પણ તંત્ર હરકતમાં આવશે કે નહીં? એ કહેવું મુશ્કેલ છે. મોરબીમાં હાલ મોટાભાગના માર્ગોની ખૂબ જ ખરાબ અવદશા છે. મુખ્ય રસ્તા એટલી હદે ખરાબ થઈ ગયા છે કે રોડ પર ખાડા પડયા છે કે ખાડામાં જ રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. તેવી રોડની બદતર હાલત થઈ ગઈ છે. તેમાંય વરસાદી વાતાવરણ ચાલુ રહેતા પાણી ભરાવાના કારણે રોડ પરના ખાડાની વધુને વધુ ભયજનક હાલત થઈ ગઈ છે. માર્ગો પર ખાડાઓને કારણે વાહન ચાલકો દરરોજ પડવા અખડવાથી નાની મોટી ઇજાનો સામનો કરી રહ્યા છે. આવી ગંભીર હાલત હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા રોડ પર પડેલા ખાડાઓ જોખમી બની રહ્યા છે. દરમ્યાન મોરબી ગ્રામ્ય રક્ષક દળ (જીઆરડી)માં ફરજ બજાવતા અને સામાકાંઠે ભડિયાદ રોડ પર આવેલ જીવરાજ પાર્કમાં રહેતા મકવાણા પ્રભાબેન જગદીશભાઈ પોતાના બાઇક પર આજે મોરબીના પ્રવેશદ્વાર સમાં ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઉમિયા સર્કલ પરના રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડ્યા હોવાથી તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા. જેમાં તેમના હાથને ઇજા થવાથી ફ્રેક્ચર થયું હતું. તંત્રની બેદરકારીના પાપે આવા અકસ્માતો રોજિંદા બની ગયા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. છતાં પણ તંત્રએ રોડને રિપેર કરવાની તસ્દી લીધી નથી. જાગૃત નાગરિકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે બેદરકારીમાં નંબર વન રહેલા તંત્ર એટલી હદે જાડી ચામડીનું બનીને સંવેદનહીન બની ગયું છે કે કદાચ ખાડાઓને કારણે કોઈને જીવ લેવાઈ તો પણ તંત્રનું પેટનું પાણી નહિ હલે. લોકોમાં તંત્રની આટલી હદે નકારાત્મક છબી કેળવાય છે એ તંત્ર માટે શરમજનક છે.