મોરબી : મોરબી શહેરની બાજુમાં આવેલ રવાપર ગામ આમ તો મોરબીનો એક ભાગ જ બની ગયુ છે. રવાપર ગામમાં લોકોનો વસવાટ વધ્યો છે. આ ગામમાં હાલમાં ગ્રામ પંચાયત આવેલી છે. રવાપર ગામમાં આવેલ તળાવને સાફ કરાવીને તેને પાક્કું બાંધી આપવાની સ્થાનિકોની માંગણી બળવત્તર બની રહી છે. ગ્રામપંચાયત હસ્તક રહેલા રવાપર ગામમાં એક તળાવ આવેલું છે. જે આમ તો પહેલા ખુબજ મોટું હતું. પરંતુ હાલમાં ચારે બાજુએ દબાણ થવાથી નાનું થઇ ગયુ છે. આ તળાવમાં સ્થાનિકો પોતાના ઘરનો કચરો ઠાલવે રાખે છે. જેના કારણે તળાવના પાણીમાં જીવાતો-મચ્છર ઉદ્દભવ્યા છે અને કચરો સડતા ખુબ જ દુર્ગંધ પણ આવે છે. આ તળાવની સફાઈ કરવામાં આવતી નથી આથી ગંદકીને લીધે આજુ બાજુ રહેતા લોકો પરેશાન છે. ગંદા પાણીને કારણે રોગચાળો પણ ફેલાય છે. ત્યારે આ તળાવની વ્યવસ્થિત સફાઈ કરીને ચારે બાજુ પાકું બાંધકામ કરીને તેની પાળના ભાગે વૃક્ષો વાવી બગીચા જેવું બનાવવામાં આવે તો અહીં એક સુંદર તળાવ સાથેનો બગીચો બની શકે તેમ છે. મોરબી શહેરમાં બગીચાઓ પહેલાની પરિસ્થિતિએ હાલમાં આમ પણ ઓછા થઇ ગયેલ છે. આ કામ કરવાથી ગંદકી દુર થશે. ઝાડ વાવવાથી પર્યાવરણને ફાયદો થશે. બગીચો બનાવવાથી બાળકો તેમજ વૃદ્ધોને ફરવા લાયક સ્થાનિક સ્થળ મળશે અને લોકો પણ એમાં કચરાનો નિકાલ કરતા બંધ થશે. આ બાબતે લાગુ પડતા વિભાગોને યોગ્ય આદેશો કરી આ તળાવ સુંદર મજાનું બને લોકો તેની સ્વચ્છતા અને સુંદરતા માણી શકે અને ગામની સુંદરતા અને સગવડતામાં વધારો થાય તેવું કરવા માટે કે.ડી.બાવરવાએ માંગણી કરી છે. આ તળાવની સફાઈ માટે મોરબીમાં બનેલી મોરબી શહેર સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈ ઝુંબેશ કરીને સ્વચ્છ બનાવવા પ્રયાસ કરવામાં આવેલ હતો.આ સમિતિમાં મોરબીના પ્રખ્યાત ડોકટરો, એન્જીનીયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉટન્ટ અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ જાગૃત નાગરિકો પણ જોડાયા હતા. જોકે સરકાર આ બાબતે યોગ્ય આયોજન કરશે તો ઘણા સેવાભાવી લોકો અને સંસ્થા તેમાં હજુ પણ સહયોગ આપશે. સ્થાનિક લોકોની એવી અપેક્ષા છે કે તાત્કાલિક આ બાબતે યોગ્ય નિર્ણય કરી જરૂરી જોગવાઈઓ કરી લાગતા વળગતા વિભાગને યોગ્ય આદેશો આપી આ બાબતે સત્વરે કામગીરી કરવામાં આવે.