મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરુ થવાના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમમાં 2900 ક્યુસેક જેટલી આવક હોવાથી હાલ ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જયારે વાંકાનેરના મચ્છુ 1 અને ટંકારાના ડેમોમાં પણ પાણીની આવકમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. મોરબી જિલ્લામાં અગાવ આવેલા વરસાદના પ્રથમ તોફાની રાઉન્ડમાં જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઇ ગયા હતા. ત્યારે છેલ્લા 24 કલાકથી શરુ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ જિલ્લામાં પડતા ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2900 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાતા ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખોલી તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે વાંકાનેરના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મચ્છુ 1માં પાણીની સપાટી વધતા તેનું પાણી મચ્છુ 2 ડેમમાં આવતા હજુ મચ્છુ 2માં પાણી આવક વધવાની શક્યતા ડેમના અધિકારીઓ દ્વારા દર્શાવાઈ છે. જયારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના પગલે ટંકારા તાલુકાના ડેમોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.