મોરબી : મોરબીમાં ઠેરઠેર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અનેક મોરબીના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરના ત્રાસથી વાહનચાલકોને તથા સ્થાનિક લોકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મોરબીના તમામ માર્ગો જાણે પાંજરાપોળમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થતિનું નિર્માણ પામ્યું છે. રાહદારીઓ પર રઝળતા પશુઓના કારણે અકસ્માતોનું સતત જોખમ વધી રહ્યું છે. ત્યારે એક મોટો સવાલ છે કે પાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગશે ? મોરબી શહેરનો એક પણ રસ્તો એવો નહિ હોય કે જેના પર રઝળતા ઢોર રસ્તા પર જોવા ના મળે. જાણે મોરબીના તમામ નાના મોટા અને મુખ્ય માર્ગો પાંજરાપોળમાં ફેરવાય ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મોરબીના દરેક વિસ્તાર અને રોડ પર આ સમસ્યા લોકોને સતાવી રહી છે. જેમાં મોરબીના કુબેર રોડ પર રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મસમોટું રખડતા ઢોરનું ટોળું રોડ પર પોતાનો અડીંગો જમાવી બેસી જવાના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરી રસ્તા પરથી ગુજરવું પડે છે. અનેક વાર કુબેર રોડ પર આખલા ઓ પણ બાખડી પડતા લોકોના શ્વાસો અધર ચડી રહ્યા હોય છે. સદનશીબે કોઈ જાનહાની નથી થવા પામતી પરંતુ કુબેર રોડ પરથી પસાર થતા વાહનચાલકોને વારંવાર રખડતા ઢોરના કારણે અડચણો ઉભી થતી રહી છે. કુબેર નગર જેવા દ્રશ્યો મોરબીના દરેક વિસ્તારમાં જોવા મળે છે. જયારે મોરબીના તમામ માર્ગો પાંજરાપોળમાં ફેરવાતા બહાર ગામથી આવતા લોકોની નજરમાં મોરબીની અત્યંત ખરાબ ઇમેજ પડી રહી છે. ત્યારે લોકોના મનમાં સો મણનો સવાલ છે કે મોરબીના સ્થાનિક પાલિકા તંત્ર અને લોકોના મતોથી ચૂંટાયેલા રાજકારણીઓને આ સમસ્યા નહિ દેખાતી હોય ? તેઓ ક્યારે આ બાબતે જાગશે ??