મોરબી : મોરબી તાલુકાની 'રાજપર તાલુકા પ્રાથમિક શાળા'માં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકની કાર્યદક્ષતા અને કર્તવ્યનિષ્ઠાની નોંધ લઈ રાજ્યના શિક્ષણમંત્રીએ પત્ર પાઠવી તેઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. રાજપર ગામની તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડિયા કે જેઓ એક આંખે અને એક પગે દિવ્યાંગતા ધરાવે છે, પણ પોતાની ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી શાળાને ભૌતિક સુવિધાઓથી સુસજ્જ કરી શિક્ષણના સ્તરને એક નવી ઊંચાઈ આપી છે. તેઓ જ્યારે શાળામાં શિક્ષક તરીકે નિમણુંક પામ્યા ત્યારે શાળા નળિયાં વાળી હતી. કદાચ મોરબી જિલ્લાની એકમાત્ર આ શાળા નળિયાં વાળી હતી. જે સ્થિતિ આ શિક્ષકને આંખના કણાંની માફક ખૂંચતી હતી. એમણે ગામના ઉત્સાહી અને કર્મનિષ્ઠ એવા સરપંચ કરમશીભાઈ મારવણીયાનો સંપર્ક કરી પોતાની આ વ્યથા વર્ણવી. સહુ શિક્ષકોને સાથે રાખી સહાયતા માટે લાઇફ સંસ્થા રાજકોટનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતે નવી શાળા નિર્માણ માટે જગ્યાની વ્યવસ્થા કરી આપી અને પાક્કી છત વાળા ભવ્ય 12 રૂમવાળી અદ્યતન શાળાનું નિર્માણ થયું. લોક ફાળા તરીકે 10 લાખ રૂપિયા જેટલું દાન એકત્ર કર્યું. આધુનિક કોમ્પ્યુટર લેબ, પ્રાર્થના હોલ, બગીચો, લાઈબ્રેરી, રામહાટ, રમતનું મેદાન જેવી સુવિધાઓ ઉભી કરી. ગામના બાળકો ગામમાં જ ભણે અને મોંઘી ડાટ ખાનગી શાળામાં બાળકોને ભણાવવા વાલીઓને મજબુર ન થવું પડે એ માટે ગ્રામજનોના સહકારથી જુનિયર અને સિનિયર કે.જી.ની શરૂઆત કરી. ઉનાળાના વેકેશનમાં મોટા ભાગના અન્ય શિક્ષકો રજાની મજા માણતા હોય છે ત્યારે આ શાળાના શિક્ષકો દ્વારા દર વેકેશનમાં પંદર દિવસ સુધી સમરકેમ્પમાં બાળકોને સર્વાંગીણ વિકાસ થાય એવી વિવિધ પ્રવૃતિઓ કરાવતા હોય છે. તમામ શિક્ષકો, ગ્રામજનો એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યોને સાથે રાખી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વ્યસન મુક્તિના કાર્યક્રમો, યુવા જ્ઞાનોત્સવ, જિલ્લા રાજ્ય કક્ષાના ધ્વજવંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા જેવી તમામ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ એક સમયે વિદ્યાર્થીઓની સંખ્યા જે માત્ર 157 જેટલી હતી તે વધીને આજે 275 થઈ ગઈ છે. દિનેશભાઈ ભેંસદડીયાની આવી પ્રવૃત્તિની ખુદ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીએ નોંધ લઈ પત્ર લખી ધન્યવાદ આપી એમની સેવાને બિરદાવેલ છે.