મજૂરોના સેમ્પલ લઈને પુના ખાતે મોકલવવામાં આવશે : હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય ટીમોએ સઘન સર્વે સહિતની કામગીરી હાથ ધરી મોરબી : હળવદમાં કોગો ફિવરે ભારે ઉત્પાત મચાવ્યો છે.જેમાં હળવદની એક ફેકટરીમાં એકનું શંકાસ્પદ મોત અને બે મજૂરોને કોગો ફિવરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય તંત્રએ સાવચેતીના ભાગરૂપે સઘન કામગીરી હાથ ધરી છે.જેમાં આજે આ ફેકટરીના વધુ 43 મજૂરોને કોગો ફિવરની શંકાએ હાલ ચેકઅપ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને આ મજૂરોના સેમ્પલ લઈને પુના ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. માળીયા હળવદ રોડ ઉપર આવેલ સિમેન્ટની કોથળી બનાવતી આસ્થા ટેક્નોપ્લાસ્ટ નામની ફેકટરીમાં કામ કરતા એક મજૂરોમાં કોગો ફીવર નામના રોગે દેખા દીધી છે.જેમાં ત્રણેક દિવસ પહેલા એક મજૂરનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું અને તેમને કોગો ફીવર હોવાની શંકાએ તેમના નમૂના લઈને પુના ખાતે મોકલ્યા હતા.જ્યારે આ ફેકટરીના ત્રણ મજૂરોને કોગો ફીવરની શંકાએ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ ત્રણેય મજૂરોના સેમ્પલ પુના ખાતે મોકલાવ્યા હતા જેનાથી બે મજૂરોને કોગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ ત્રણેય મજૂરો અમદાવાદમાં સારવાર હેઠળ છે.આ બનાવને પગલે મોરબી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી અને આરોગ્ય વિભાગની ટીમોએ આ ફેકટરી તથા આસપાસના વાડી વિસ્તારમાં સર્વ અને ફોગીગ,એબેટ સહિતની કામગીરી હાથ ધરી હતી.જ્યારે ગઈકાલે આ ફેકટરીના અન્ય 11 મજૂરીને કોઈ તકલીફ ન હોય પણ પ્લેટેડ કોઉન્ટ ઓછા દેખાયા હોવાથી આ તમામને હાલ રાજકોટની આઇસોલેટ વિભાગમાં રખાયા છે અને તેમના નમૂના પુના ખાતે મોકલ્યા છે. જ્યારે મોરબી આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ આજે હળવડની આ અસરગ્રસ્ત ફેકટરી અને વાડી વિસ્તારમાં સઘન કામગીરી ચાલુ રાખી છે.ત્યારે આ ફેકટરીના વધુ 43 મજૂરોને કોગો ફિવરની શંકાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે ખસેડાયા છે અને તેમના નમૂના લઈને પુના ખાતે મોકલવામાં આવશે.તેમજ શંકાસ્પદ લાગે તો મોરબી અથવા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવશે, આ ઉપરાંત મોરબી આરોગ્ય વિભાગની ચાર ટીમો હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વ કરી રહી છે.ફેકટરીમાં તથા વાડી વિસ્તારમાં દવા છટકાવની કામગીરી હાથ ધરી છે. મોરબીના મેલેરિયા અધિકારી સી.એલ.વારેવડીયાની દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વિભાગમાં રખાયેલા 43 મજૂરોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે.તેમજ ઢોર અને ઇતરડીના નમૂના લઈને પુના ખાતે મોકલાવ્યા છે.જોકે મોરબી હોસ્પિટલમાં ગતરાત્રે આઇસોલેટ રૂમ તૈયાર કરાયો છે.અને તેમાં 25 બેડની સુવિધા છે.તેવું આર. એમ.ઓ.સરડવાએ જણાવ્યું હતું.અને વધુ સારવાર જણાશે તો આ મજૂરોને રાજકોટની મેડિકલ કોલેજમાં મોકલી આપશે.