આખલાઓના યુદ્ધથી થોડીવારમાં ભારે નાસભાગ થઈ પડી : અંતે પોલીસે છુટા પાડ્યા મોરબી : મોરબીના શનાળા રોડ રામચોક પર આજે ફરી બે આખલાઓએ દંગલ મચાવ્યું હતું.જેના પગલે થોડીવાર ટ્રાફિકજામ થઈ ગયો હતો.જોકે આશરે 20 મિનિટ સુધી આખલાઓએ આ ભરચક્ક વિસ્તારને રીતસર બાનમાં લેતા થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી.અંતે પોલીસે આ બને આખલાઓને છુટા પાડ્યા હતા. મોરબીના રામચોક પાસે કે.કે સ્ટીલ સામેના રોડ ઉપર આજે બે આખલાઓને અચાનક જ શૂરાતન ચડતા બન્ને એકબીજાના શિંગડા ભરાવીને સામસામે આવીને ભારે ઘમાસાણ મચાવ્યું હતું અને થોડીમાં આ ભરચક્ક વિસ્તારને યુદ્ધભુમી બનાવી દેતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. આખલા યુદ્ધથી રસ્તે નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને ટ્રાફિકજામ સર્જાતા થોડીવાર માટે અફડા તફડી મચી ગઇ હતી.જોકે સ્થાનિક વેપારીઓએ આખલાઓને પાણી છાંટી ને કાબુમાં લેવાની કોશિશ કરી હતી.પરંતુ છુટા પડ્યા ન હતા.અંતે ત્યાંથી પોલીસની જીપ નીકળતા પોલીસે બન્ને આખલાઓને છુટા પાડ્યા હતા.