મહેન્દ્રપરા વિસ્તારમાં એક- એક ફૂટ સુધી ગટરના પાણી ભરાયેલા હોય તંત્રની નીંભરતાના પાપે ગંદકીથી પાલિકાના પૂર્વ કર્મચારીનું મોત થયાનો આરોપ : અંતે તંત્ર દોડયું અને ગંદા પાણીના નિકાલની કામગીરી હાથ ધરી મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં નિંભર તંત્રના પાપે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની ભયકર સ્થિતિ સર્જાઈ છે.ત્યારે આજે આ વિસ્તારમાં રહેતા પાલિકાના પૂર્વ કર્મચારીનું અવસાન ઘયા બાદ ગટરના એકએક ફૂટ ગંદા પાણી ભરાયેલા હોવાથી તેમના મૃતદેહને રાખી ન શકતાં તંત્ર માનવતા પણ ચુકી ગયું હોય તેવી ગંભીર સ્થિતિ સામે આવી હતી.જોકે સ્થાનિકોએ ગટરના ગંદા પાણીના લીધે તેમનું મોત થયું હોવાનો આરોપ મૂક્યો છે.પોતાની પોલ છતી થયાનું જણાતા જાણે શરમ આવી હોય એમ તંત્રએ રાતોરાત કામગીરી કરવા હડિયાપટ્ટી કરી મૂકી હતી. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં તંત્રના પાપે છેલ્લા એક માસથી નર્કથી બદતર ભયકર સ્થિતિ છે.જેમાં એક મહિનાથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી એકએક ફૂટ સુધીના પાણી ભરાયેલા છે.આ વિસ્તારની શેરીઓમાં એટલી હદે ગટરના પાણી ફરી વળ્યા છે કે નીચે તો રહેવાય એવું નથી.તેથી આ વિસ્તારના ઘણા લોકો ઉપરના માળે રહે છે.જોકે આ સ્થાનિકોએ તંત્રને હદ બહારની રજુઆત કરી છે.પણ એકેય રજુઆત તંત્રના બહેરા કાને અથડાઈ નથી.તંત્રની સંવેદનશીલતા બુઠ્ઠી થઈ જતા અંતે લોકો કંટાળીને પોતાના ઘરના ઉપરના માળે રહેવા ચાલ્યા ગયા છે.કારણ કે ગટરના પાણી તેમના નીચેના ઘર સુધી રેલતાં હીવથી જીવવું હરામ થઈ ગયું હતું. તંત્રની આટ આટલી ગંભીર બેદરકારી છતાં લોકોએ સંયમ ગુમાવ્યો ન હતો.પણ તંત્ર નીંભરતાની હદ ઓળગીને જાણે લોકોની આકરી કસોટી કરતું હોય તેમ અક્ષમ્ય બેદરકારી યથાવત રાખી હતી.દરમ્યાન આજે આ વિસ્તારમાં રહેતા અને પાલિકાના પૂર્વ કર્મચારી અને નિવૃત જીવન ગાળતા દિવ્યાંગ કીર્તિનાથ સોમનાથ નાથબાવાનું આજે અવસાન થયું હતું.પણ સ્થાનિકોએ જણાવ્યું હતું કે નીચે એટલી હદે ગટરના પાણી છે કે મૃતદેહ રાખી શકાય એમ જ નથી અને ઉપરના માળે લઈ જવા હોય ગટરના ગંદા પાણીથી પસાર થવું પડે એમ છે તેથી તંત્ર મોતનો મલાજો પણ જાળવી શક્યું નથી.મૃતક વિકલાંગ હતા એટલે નિસહાય હોવાથી આ ગટરની ગંદકીના કારણે તેમનું મોત થયું હોવાનો પણ સ્થાનિકોએ આરોપ મૂક્યો હતો.જોકે આ ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે. ચીફ ઓફિસર સહિતની નગરપાલિકાની આખી ટીમ મહેન્દ્રપરામાં દોડી ગઈ હતી અને ગંદા પાણીનો નિકાલ કરવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આ ગંભીર સમસ્યા અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, અહીંની ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે.1981ની સાલની આ ભૂગર્ભ ચોકઅપ હોવાથી આ સમસ્યા સર્જાય છે.આથી હવે નવી જ નાખવી પડશે. એના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે,હાલ અહીં પાણીના નિકાલ માટે નડિયાદથી પાણી ખેંચવાનું મશીન મંગાવાયુ છે અને થોડા દિવસોમાં આ મશીન આવી ગયા બાદ મહેન્દ્રપરા, માધાપર,સહિતના વિસ્તારોની એક લાઈનની ભૂગર્ભ ગટરની સઘન સફાઈ હાથ ધરાશે.