મોટી સંખ્યામાં લોકોએ હરવા ફરવાના સ્થળોએ ઉમટી પડીને જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી કરી મોરબી : મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોમાં હરવા ફરવા અને ધાર્મિક સ્થળોએ લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી.મોટી સંખ્યા લોકોએ પરિવારો સાથે હરવા ફરવાના સ્થળ અને ધમીક સ્થળોએ ઉમટી પડીને જન્માષ્ટમીના તહેવારોની મનભરીને ઉજવણી કરી હતી. રંગીલા મોરબીવાસીઓનો જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી કરવાનો એક આગવો અંદાજ છે. જેમાં તહેવારોની ઉજવણીમાં ભરપૂર આનંદ માનીને પછી રૂટિન કાર્યમાં નવા જોશ સાથે જોડાઈ જવું.જોકે જન્માષ્ટમી નિમિતે માત્ર મેળામાં જ જઈને આનંદ માનવો એવું હોતું નથી.પણ મનગમતા રમણીય સ્થળોએ પરિવાર સાથે હસીખુશીથી હલવાશની પળો માણવી એ પણ તહેવારોની ઉજવણીનો એક ભાગ છે એ વાત મોરબીવાસીઓ સુપેરે જાણે છે.તેથી અનેક લોકોએ બહાર ગામના પર્યટન સ્થળોએ જવાને બદલે ઘર આંગણે રહેલા મનગમતા સ્થળોએ તહેવારોની ઉજવણી કરવાનું મુનાસીબ માન્યું હતું.આથી જન્માષ્ટમીના તહેવારોમાં મોરબીના હરવા ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળોએ લોકો ઉમટી પડ્યા હતા.મોટી સંખ્યામાં લોકો સાતમ આઠમના તહેવારોના દિવસે શહેરના હરવા ફરવાના સ્થળ ઝૂલતા પુલ કેસર બાગ, અગેનશ્વર મહાદેવ મંદિરે,નીલકંઠ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર,જડેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર,સહિતના પોરોણીક સ્થળોએ ઉમટી પડીને હળવાશની પળો માણી હતી.એકંદરે જન્માષ્ટમીની રજાઓમાં શહેરના હરવા ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળોએ ભારે ભીડ રહી હતી.