પુસ્તક પરબના સહકારથી ટાઉનહોલ ખાતે યોજાશે કાર્યક્રમ : અનેક લેખકો આપશે હાજરી મોરબી : 'ઉદયાસ્ત દ્વારકા સોમનાથ'ના લેખક નિપેશ પંડ્યાની બીજી નવલકથા 'ઋણાનુંબંધ'નું લોકાર્પણ આગામી તારીખ 31 ઓગષ્ટને શનિવારે સાંજે 06:00 કલાકે મોરબીના ટાઉનહોલ ખાતે યોજાવા જઇ રહ્યું છે. 'ઋણાનુબંધ'ની કથા એટલે જન્મોજન્મની ગતિ, જે કૈલાશથી શરૂ થઈ મોરબી સુધી પહોંચે છે અને કરાવે છે શોધ, સોમનાથના દિવ્ય શિવલિંગ અને શ્રીકૃષ્ણની સોનાની દ્વારકાની. જેના માટે કથા નાયક તેના માનવીય અને સ્થળ સાથેના સંબંધોને ઓળખીને અનુસરે છે, પૂર્ણ કરે છે અને સર્જાય છે ભવિષ્યના ભારતનો સતયુગ. પુસ્તક પરબ મોરબીના સહકારથી આ નવલકથાનું ટાઉનહોલ ખાતે લોકાર્પણ કરવામાં આવનાર છે. જે કાર્યક્રમમાં આશુ પટેલ, જ્વલંત છાંયા અને અભિમન્યુ મોદી પ્રસંગોચિત વ્યક્તવ્ય આપશે. કાર્યક્રમનું સંચાલન નીરવ માનસેતા દ્વારા કરવામાં આવશે. મનમિત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ નવલકથાના લોકાર્પણ કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો સાથે ઉપસ્થિત સહુ માટે અલ્પાહારનું આયોજન રાખેલ છે. ભવિષ્યનું ભારત આપ જેવું જોવા ઇચ્છો છો એને આવકારવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકોએ મોરબીની જનતાને આમંત્રણ પાઠવ્યું છે.