તહેવારમાં ટ્રાફિકને ધ્યાને લઇ એ ડિવિઝન પોલીસે ટ્રાફિકને નડતરરૂપ દબાણો સામે કડક કાર્યવાહી કરી મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે આજે શનાળા બાયપાસથી લઈ સુપર માર્કેટ અને સરદાર બાગ સુધી ફૂટ પેટ્રોલીગ કર્યું હતું અને આ સ્થળોએ ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લાનાં દબાણો હટાવી દીધા હતા. મોરબી શહેર પોલીસે તહેવારના કારણે ટ્રાફિક સમસ્યા પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના મુખ્ય માર્ગો પર લારી ગલ્લા સહિતના ભારે દબાણો થઈ ગયા છે અને પાર્કિગની જગ્યાએ પણ આવા દબાણો થતા ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. આમ વાહનોની ગીચતા ઉપરથી માર્ગો પર લારી ગલ્લા અને પાથરણા વાળાઓના દબાણો થતા ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બની રહી છે ત્યારે આજે લાંબા સમય પછી એ ડિવિઝન પોલીસે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબી એ ડિવિઝન પી.આઇ.આર.જે.ચૌધરી, પી.એસ.આઇ ગોંડલીયા સહિતના સ્ટાફે આજે શનાળા બાયપાસથી લઈ સુપર માર્કેટ અને સરદાર બાગ સુધી ફૂટ પેટ્રોલીગ કર્યું હતું અને રસ્તામાં અડચણ રૂપ 20થી વધુ લારી ગલ્લા તેમજ પાર્કિગની જગ્યાએ થયેલા હંગામી દબાણો હટાવી દીધા હતા. તેમજ ફરીથી અહીં દબાણ ન કરવાની પણ કડક સૂચના આપી હતી. ત્યારે મોરબી શહેરમાં પોલીસ સમયાંતરે આવી કામગીરી કરે તેવી લોકોએ લાગણી વ્યકત કરી છે.