રસ્તો બ્લોક થતા 3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રાખી દેવાઈ હતી : તમામ યુવતીઓ માટે ટ્રેનની વ્યવસ્થા મંત્રી માંડવિયાની મદદથી કરાઈ મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ-હિમાચલના પ્રવાસે ટ્રેન મારફતે ગુજરાતથી રવાના થયા બાદ હાલ હિમાચલ-ઉત્તરાખંડ-પંજાબમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તૂટી ગયેલા માર્ગોને લઈને અટવાઈ પડી હતી. જો કે બધી જ યુવતીઓ સહી-સલામત હોવાની અને હાલમાં તમામ યુવતીઓ માટે ટ્રેનની વ્યવસ્થા મંત્રી માંડવિયાની મદદથી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીની અજંતા(ઓરપેટ) કંપનીની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ, હિમાચલ સહિતના પર્યટન સ્થળોની મુલાકાતે ટ્રેન મારફત અઠવાડિયા પૂર્વે જવા નીકળી હતી. ટ્રેન મારફતે પંજાબ પહોંચ્યા બાદ ત્યાંથી સ્થાનિક બસ ટૂર ઓપરેટરની 3 બસમાં આ યુવતીઓ પ્રવાસના આખરી દિવસે કુલ્લુ-મનાલીથી થોડે આગળ જતાં રસ્તો તૂટી જવાને કારણે અટવાઈ પડી હતી. ભારે વરસાદને લઈને રસ્તા પર પહાડ તૂટી પડવાને કારણે રસ્તો બંધ થઈ જતા આ બસો અટવાઈ પડી હતી. સુરક્ષાના કારણે આ બસો આગળ કે પાછળ જઇ શકે એમ ન હોવાથી રવિવારની રાત્રે જ જ્યાં પહોંચી હતી ત્યાં જ રોકી દેવામાં આવી હતી. જો કે મનાલી નજીક રસ્તામાં ફસાયેલી અજંતા કંપનીની તમામ યુવતીઓ સહી-સલામત બસમાં સમય પસાર કરવો પડ્યો હતો. જોકે ત્યાર બાદ રસ્તો ખુલતા તેઓ રવાના થયા હતા પરંતુ આ યુવતીઓની સોમવારે પંજાબથી ગુજરાત આવવાની ટ્રેનની ટિકિટો હતી. જે ટ્રેન ચુકી જવાથી હવે ગુજરાત આવવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ થઈ રહી છે. જેમાં મુસીબત થતી હોવાથી અંતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મદદથી અન્ય ટ્રેનમાં કંફમ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવતા તમામ યુવતીઓ અને તેમના પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.