કામધેનુ પાર્ટી પ્લોટમા યંગ ઇન્ડિયા ગ્રૂપનો ક્રિષ્ના મેળો અને સામાંકાંઠે અન્ય બે મેળા યોજાશે મોરબી : મોરબીમા દર વર્ષની જેમ આ વર્ષે પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા જન્માષ્ટમી નિમિતે ક્રિષ્ના મેળાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સામાકાંઠે પણ બે મેળા યોજાનાર છે. જ્યારે પાલિકાનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટમાં ક્રિષ્ના મેળાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આ વર્ષે પણ નગરજનોનો માનીતો મેળો બની રહેવાનો છે. હાલ મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં પણ બે મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દર વર્ષે મોરબી નગરપાલિકા દ્વારા ધોળેશ્વર ખાતે લોકમેળો યોજવામાં આવે છે. ત્યારે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર આ વર્ષે મેળાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. હાલ મોરબીમાં તંત્ર દ્વારા એક પણ મેળાને રાઈડના વિવાદ વચ્ચે મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં તંત્ર મેળાઓને મંજૂરી આપી દેશે તેવા સંકેતો દેખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.