કારચલાકનો બચાવ પણ કારને મોટું નુકસાન થયું : તંત્રએ જર્જરિત દીવાલ હટાવવાની કામગીરી અગાઉ ન કરતા આજે ગાબડું પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી : તંત્ર હવે જાગશે ? મોરબી : મોરબીના સામાકાંઠેથી શહેર તરફ અવર જવર માટેના બેઠા પુલ પરથી શહેર તરફ જવાના માર્ગ પર શક્તિ ચોકના નાકા પાસે આવેલી જર્જરિત દિવાલનો આજે અમુક હિસ્સો પડી ગયો હતો. જેના હડફેટે રસ્તા પર પસાર થતી એક કાર ઝપટે ચડી ગઈ હતી.સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.પણ કારને ભારે નુકસાની થઈ હતી. તંત્રની બેદરકારીના કારણે બનેલી આ ઘટનામાં આજે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.બાદમાં પોલીસ અને પાલિકાની ટીમે ત્યાંનો રસ્તો બંધ કરીને દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. મોરબી શહેરથી સામાકાંઠાને જોડતા બેઠા પુલ પર શહેર તરફ જવાના શક્તિ ચોકના નાકા પાસે આવેલ એક દીવાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી.ગમે ત્યારે પડું પડુંની હાલતમાં રહેલી આ દીવાલને હટાવવાની વાહન ચાલકોની ઉગ્ર માંગ છતાં તંત્ર આ બાબતે ધ્યાન ન આપતા ગઈકાલના ભારે વરસાદમાં ધોવાયેલી આ દિવાલમાંથી આજે સવારે 9-30 થી 10 વાગ્યાના સમયગાળા દરમ્યાન મસમોટું ગાબડું નીચે પડ્યું હતું.આ દિવાલનો અમુક હિસ્સો ધારાશાયી થયો તે સમયે એક કાર ચાલક ત્યાંથી નીકળતો હતો પણ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.પણ કારના બારણાના ભાગે નુકસાન થયું હતું.આ સમયે વાહન વ્યવહાર ચાલુ જ હતો.પણ મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.આ બનાવની જાણ થતાં પોલીસ અને પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યાંનો રસ્તો બંધ કરી દઈને દિવાલનો પડેલો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે.જોકે આ ઘટના બાદ હવે દીવાલ પાડવા માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે. [gallery ids='65639,65640,65641']