પાલિકાની અણઆવડત અને કુદરતી નાલાઓ પર દબાણના કારણે અવની પાર્ક, રવાપર રોડ અને કેનાલ રોડ ઉપર વરસાદ બંધ થયાને 3 કલાક બાદ પણ પાણીનો નિકાલ ન થઈ શક્યો મોરબી : મોરબીના પોશ વિસ્તારોમાં ઘરોમાં ઘુસેલા પાણી હજુ પણ ઓસર્યા ન હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને અવની પાર્ક, રવાપર રોડ અને કેનાલ રોડ ઉપર વરસાદ બંધ થયાને 3 કલાક બાદ પણ પાલિકાની અણઆવડતને કારણે પાણીનો નિકાલ થતો ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ પરીણમી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જો કે મેઘરાજાએ વિરામ લીધાને 3 કલાક થયા બાદ પણ શહેરના અનેક પોશ વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાની અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. જેથી પાલિકાની અણઆવડત છતી થઈ છે. અવની પાર્ક, રવાપર રોડ અને કેનાલ રોડ ઉપરની અનેક સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જો કે વરસાદ તો શાંત પડી ગયો છે. પરંતુ આ પાણીનો નિકાલ ન થતા અહીંના રહીશો રાતે સુઈ શકે તેવી સ્થિતિમાં પણ નથી. આ અંગે અવની રોડ ઉપર આવેલ શક્તિપાર્ક સોસાયટીના પ્રમુખ મુકેશ કુંડારીયાએ જણાવ્યું કે શકિતપાર્ક સોસાયટીમા વરસાદ ૩ કલાકથી બંધ છે. છતા પાણીના યોગ્ય નિકાલના અભાવે ધરમા પાણી હજુ પણ ભરેલા છે. લોકો ધરની બહાર છે. લોકોને રસોઈ કરવામા અને રાત્રે સુવામા પણ તકલીફ પડશે. માટે નગરપાલીકા પાણીનો યોગ્ય નિકાલ કરે જેથી લોકોની તકલીફો દુર થાય તેવી માંગ છે.