મોરબી : શહેરમાં આવેલી પી.જી.વી.સી.એલ.ની કચેરી ખાતે વિજબીલ સ્વીકારવા માટે એક જ બારી ખોલવામાં આવતી હોવાથી ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રાહકો માટે આ અંગે ઘટતુ કરવા રજુઆત કરાઈ છે. મોરબી સ્થિત વીજ તંત્રની કચેરીમાં આમતો બે બારી ઉપલબ્ધ છે. પણ જાણવા મળતી વિગતો અનુસાર સ્ટાફની કમીને કારણે માત્ર એક જ બારીથી બિલ સ્વીકારવામાં આવી રહ્યા છે. આથી બિલ ભરવા આવતા ગ્રાહકોની લાંબી લાઈનો લાગે છે. વૃદ્ધ-વડીલ નાગરિકો લાંબી લાઈનોમાં વધુ સમય સુધી ઉભા રહી શકતા ન હોવાથી પોતાનો વારો આવે ત્યાં સુધી સાઈડમાં બેસી જવા તેઓને મજબુર થવું પડે છે. વારો આવતા જ બારી પાસે જતા અન્ય ગ્રાહકો સાથે તકરાર ઉભી થાય છે. તડકો કે વરસાદમાં ખુલ્લામાં ઉભા રહેવા મજબુર ગ્રાહકો માટે કોઈ વ્યવસ્થા ઉપલબદ્ધ નથી કરાવાઇ. બિલ ભરવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેતા ગ્રાહકો માટે પાણીની સુવિધા પણ નથી રખાઈ. શિક્ષિત અને ઉચ્ચ વર્ગ મોટે ભાગે ઓનલાઈન બિલ ચૂકવે છે, જ્યારે અહીં લાઈનમાં ઉભો રહેતો મોટો વર્ગ અશિક્ષિત, અલ્પ શિક્ષિત, ગરીબ કે મધ્યમ વર્ગનો જ હોય છે. જે પોતાના કામ-ધંધા, નોકરી, રોજગારથી માંડ સમય ફાળવીને બિલ ભરવા આવતો હોય તેમનો સમય વેડફાય છે. વળી મહિલાઓ પણ ગૃહકાર્ય છોડીને લાઈનમાં ઉભી હોય ત્યારે એક જ બારીથી બીલ સ્વીકારવાની વીજ કંપનીની પદ્ધતિમાં બદલાવ જરૂરી છે. આ અંગે મોરબી આમ આદમી પાર્ટીએ પીજીવીસીએલના સ્થાનિક નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ વડોદરા સ્થિત મુખ્ય ઈજનેરને રજુઆત કરી બે બારી, બેસવાની, શુદ્ધ પીવાનું પાણી જેવી પાયાની વ્યવસ્થા માટે જણાવ્યું છે.