આરોપી હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લઈને રજૂ થતા પોલીસે બે દિવસના રિમાન્ડ પર લઈને કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી કરી મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેને કટકી કર્યાનું ખુલ્યા બાદ તેઓ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લઈને એ ડિવિઝન પોલીસ મથકે રજૂ થયા હતા આથી પોલીસે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ સિંચાઈ કૌભાંડમાં સાત લાખની કટકી કર્યાનું ખુલ્યું હતું અને આજે રિમાન્ડ પુરા થતા પોલીસે કોર્ટના આદેશ મજુબ કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં ખાસ કરીને પડદા પાછળ રહેલા મોટા માથાઓના ચહેરા એકપછી એક એમ બેનકાબ થઈ રહ્યા છે.ત્યારે વધુ એક રાજકીય આગેવાનની આ સિંચાઈ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી.જેમાં સિંચાઈ કૌભાંડમાં હાલ હળવદના ટિકર ગામે રહેતા મોરબી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડિયાનું નામ ઉછળતા તેઓ હાઇકોર્ટેમાંથી આગોતરા જામીન મેળવીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકે હાજર રહ્યા હતા.આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે,ધર્મેન્દ્રભાઈ એરવાડિયા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને રજૂ થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ આપ્યાં બાદ કોર્ટમાં પોલીસે દલીલ કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.પોલીસની તપાસ દરમ્યાન સિંચાઈ કૌભાંડમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેને મજુર મંડળીઓ પાસે થી રૂ.7 લાખ લીધા હોવાનું ખુલ્યું હતું જ્યારે આજે તેમના રિમાન્ડ પુરા થતા પોલીસે કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી કરી હતી.