વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને છેલ્લા થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણીએ જીતુભાઇ સોમાણીએ ફડાકા મારી દીધો હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.ત્યારે આ ઘટનાના આરોપી જીતુ સોમાણીએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી અને કોર્ટ દ્વારા આગોતરા જામીન અંગે કાલે મંગળવારે ફેસલો આવે તેવી શકયતા છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાંથી વૃદ્ધોને પેન્શન માટે ઉંમરનું પ્રમાણપત્ર કઢાવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિક ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ આ હોસ્પિટલમાં ઘસી આવીને હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપભાઈ ગોસાઈને ફડાકા ઝીકીને હુમલો કર્યો હતો.ત્યાર બાદ આ બનાવ અંગે તબીબે ભાજપ અગ્રણી સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ગોસ્વામી સમાજ અને તબીબોએ જોરદાર વિરોધ નોંધાવીને ભાજપ અગ્રણી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જ્યારે વાંકાનેરમાં ભાજપ દ્વારા જીતુભાઇ સોમાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી.ત્યારે જીતુભાઇ સોમાણીએ આ ઘટના મામલે આગોતરા જામીન માટે મોરબી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને કોર્ટ દ્વારા જીતુભાઇ સોમાણીના આગીતરા જામીન મંજુર કરવા કે નહીં તે અંગે આવતીકાલે મંગળવારે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.