ટીસી શોટ સર્કિટ થયેલું હોવાની તંત્રએ રજુઆત ન ગણકારતા બે ગાયના ભોગ લેવાતા સ્થાનિકોમાં ધગધગતો આક્રોશ મોરબી : મોરબીની આંબેડકર કોલોનીમાં પી.જી વી.સી.એલના ટીસીમાંથી શોર્ટ લાગતો હોવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા વીજ કરન્ટ લાગવાથી આજે બે ગાયના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે આ ગંભીર બાબતે અગાઉ રજુઆત કરવા છતાં તંત્રએ નીંભરતાની હદ વટાવી દેતા આજે બે ગાયના ભોગ લેવાતા સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિશિપરા વિસ્તાર આવેલ આંબેડકર કોલોની પાસેના ટીસીમાં શોર્ટ લાગતો હોવા છતાં તંત્રએ ગંભીર બેદરકારી દાખવતા આજે બે ગાય મોતને ભેટી હતી. સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે આંબેડકર કોલોનીમાં આવેલ ટીસીમાંથી છેલ્લા ઘણાં સમયથી વીજ કરન્ટ લાગતો હોય અને ટીસીમાંથી ખુલ્લા વીજ વાયરોમાં વિધુત પ્રવાહ ચાલુ હોવાથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં તંત્રને આ ગંભીર બાબતે યોગ્ય પગલાં લેવાની રજુઆત કરી હતી.પરંતુ તંત્રએ આ ગંભીર બાબતે કોઈ કાર્યવાહી ન કરતા આજે આ ટીસીમાંથી વીજ શોક લાગતા બે ગાયના કરુણ મોત નિપજ્યા હતા.આ બનાવથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે જવાબદાર તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.