સમગ્ર શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો જાગૃત મહિલાઓનો નીર્ધાર હવે વેગવંતો બને છે મોરબી : મોરબીમાં મહિલાઓએ સતત ત્રીજી વખત સ્વચ્છતા અભિયાન હાથ ધરીને રવાપર રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગોની સાફ સફાઈ કરી હતી. વધુમાં સમગ્ર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે આગામી દિવસોમા પણ સફાઈ અભિયાન ચાલુ રાખવાનો નીર્ધાર મહિલાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મોરબીની જાગૃત મહિલાઓએ તાજેતરમાં શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ફરી આ મહિલાઓએ રવાપર રોડ ઉપર આવેલા બાપાસીતારામ ચોંકમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં મહિલાઓએ મેઇન રોડ તેમજ બાપાસીતારામ ચોંકની સઘન સાફસફાઈ કરી હતી. આ અંગે ગૃહિણી કંચનબેને જણાવ્યું હતું કે શહેરીજનોએ જ્યા ત્યાં કચરો ફેંકવાનું ટાળવું જોઈએ. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો જોઈએ. જો કે અમારા દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે આ રીતે સતત સ્વચ્છતા અભિયાન મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. આ અંગે ડો. ક્રિષ્ના અઘારાએ જણાવ્યું કે તેઓએ અગાઉ બે વખત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જ્યારે આજ રોજ ફરી તેઓ દ્વારા ત્રીજી વખત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. તમામ શહેરીજનો જાગૃત બનીને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખતા થાય તેવા આશયથી આ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામા આવ્યું છે. હાલ મહિલાઓ તેઓનું કામ પડતું મૂકીને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. આમ અન્ય લોકોએ પણ આ રીતે આગળ આવીને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવાના આ સંકલ્પમાં સહભાગી બનવું જોઈએ. [gallery ids='61192,61193,61194']