ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે વિશેષ બજેટ, રેલવે યાર્ડ, ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ અને જીએસટીમા રાહત આપવાની એપેક્ષા : ઘડિયાળ ઉદ્યોગ ઉપરનો જીએસટી હળવો કરવાની માંગ મોરબી : આવતીકાલે શુક્રવારે કેન્દ્રિય બજેટ રજૂ થવાનું છે. ત્યારે મોરબીના સીરામીક એસોસિએશને મોરબીના વિકાસને લગતા પાંચ મુદાઓ આ બજેટમાં સમાવવાની માંગ ઉઠાવી છે. આજે મોરબીએ સીરામીક ક્ષેત્રે સમગ્ર ભારતનું નામ વિશ્વ ક્ષેત્રે ગુંજતું કર્યું છે. ત્યારે સીરામીક સિટીના વિકાસ માટેના આ ચાર સૂચનો માન્ય રાખવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે. કેન્દ્રીય બજેટ આવતીકાલે તા. 5 જુલાઈને શુક્રવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થવાનું છે. ત્યારે આ બજેટમાં મોરબીના વિકાસને લગતી જોગવાઈઓ પણ સમાવવામાં આવે તેવી મોરબી સીરામિક એસોસિએશન આશા સેવી રહ્યું છે. સીરામીક ઉદ્યોગ માટે જીએસટીમાં રાહત અને ટ્રેડ પ્રમોશન કાઉન્સિલની રચના જરૂરી મોરબીના સીરામીક ઉદ્યોગ આજે વિશ્વ ફલક ઉપર ખૂબ જાણીતો થયો છે. ત્યારે બજેટમાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવી સીરામીક એસો. આશા રાખી રહ્યું છે. સીરામીક ઉદ્યોગો માટે જીએસટીમા રાહત કરવામાં આવે તેમજ મોરબીના સીરામીક ઉદ્યોગો માટે અલગ ટ્રેડ પ્રમોશન કાઉન્સીલની રચના કરવામા આવે તેવી માંગ છે. જો આ મુદા કેન્દ્રીય બજેટમાં સમાવવામાં આવે તો મોરબીના સીરામીક ઉદ્યોગોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. - મોરબી સીરામીક એસો. પ્રમુખ , નિલેશ જેતપરિયા મોરબીને રેલવે યાર્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વિશેષ જોગવાઈ કરો સીરામીક ઉદ્યોગ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરી રહ્યો છે. હાલ સમગ્ર ભારતમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું એક્સપોર્ટ નોંધપાત્ર છે.ત્યારે ઉદ્યોગોની સરળતા માટે મકનસર નજીક રેલવે યાર્ડ બનાવવામાં આવે. ઉપરાંત સીરામીક સિટી તરીકે ઓળખાતા મોરબીના રોડ રસ્તા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલોપ કરવુ જરૂરી છે. જેના માટે અલગથી બજેટ ફાળવવામાં આવે તેવી માંગ છે. -મોરબી સીરામીક એસો. પ્રમુખ, મુકેશભાઈ ઉધરેજા ઘડિયાળ ઉદ્યોગને મંદીનો માર, જીએસટી 18 થી ઘટાડીને 12 ટકા કરો હાલ ઘડિયાળ ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. અત્યારે મહિનામાં 10 દિવસ ઉદ્યોગ બંધ રાખવો પડે તેવી સ્થિતિ છે. આ ઉદ્યોગમા મોરબીમાં અત્યારે 125 જેટલા યુનિટ કાર્યરત છે. જેમાં 15 હજાર મહિલાઓ મળી કુલ 35 હજાર જેટલા કર્મચારીઓ કાર્યરત છે. આમ મહિલા ઉત્થાનનું કામ પણ આ ઉદ્યોગ દ્વારા થઈ રહ્યું છે. આ ઉદ્યોગની સૌથી મોટી સમસ્યા જીએસટી છે. આ ઉદ્યોગ પર અમલમાં રહેલો 18 ટકા જીએસટી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવે તેવી માંગ છે. -મોરબી કલોક એસો. પ્રમુખ, શશાંકભાઈ દંગી