ગતરાત્રે સામાકાંઠેથી મોરબી તરફ આવતી વખતે ત્રિકોણબાગ પાસે અજણાયા વાહને બાઇકને હડફેટે અકસ્માત સર્જાયો : હતભાગી યુવાનની બે માસ પહેલા સગાઈ થઈ હતી મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું.સામાકાંઠેથી મોરબી તરફ આવતી વખતે આ યુવાનને જીવલેણ અકસ્માત નડ્યો હતો.આ બનાવમાં કરુણતા એ છે કે શ્રમિક પરિવારના એકના એક આશાસ્પદ યુવાન પુત્રનું મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગરમાં રહેતો ગૌતમ સવજીભાઈ મૂછડિયા ઉ.વ.20 નામનો યુવાન ગતરાત્રીના 10 વાગ્યાની આસપાસ કોઈ કામસર પોતાના બાઇક પર સામાકાંઠેથી મોરબી શહેર તરફ આવી રહ્યો હતો.અને આ યુવાન મોરબીના ત્રિકોણબાગ પાસે પહોંચ્યો ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે આ બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જોકે આ મૃતક યુવાન પેકેજીગ કારખાનામાં મજુરી કામ કરતો હતો અને તેના પિતા પણ મજુરી કામ કરે છે.તેમજ તે આ શ્રમિક પરિવારનો એકનો એક પુત્ર હતો.જોકે આ બનાવની કરુણતા એ છે બે માસ પહેલા જ હતભાગી યુવાનની સગાઈ થઈ હતી.જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો. ત્યારે આજે આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત થતા શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.