મોરબી : શનાળા રોડ સ્થિત નવા બસ સ્ટેશન પાસે આવેલ સુપર માર્કેટ નજીક ગટર ઉભરાવવાની વારંવાર બનતી ઘટનાને પગલે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકામાં કરાતી અઢળક રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સુપર માર્કેટ તેમજ પટેલ શોપિંગ સેન્ટરના દુકાન ધારકોએ રસ્તો બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુપર માર્કેટ તથા પટેલ શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં પાછલા 1.5 વરસથી ગટર ઉભરાઇને ગંદુ પાણી રોડ રસ્તા પર વહેવા લાગે છે. જેનાથી દુકાનદારો તેમજ એમના ગ્રાહકોને તેમજ રાહગીરોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર વહેવા લાગતા રોગચાળાનો ભય પણ ઝળુંબી રહ્યો છે. ત્યારે રોજ બરોજની ત્રાસદીથી કંટાળી સુપર માર્કેટના દુકાન ધારકો દ્વારા રોડ બ્લોક કરવાની ચીમકી આપવામાં આવી છે. હાલ સુપર માર્કેટ પાસે ઉભરાયેલી ગટરોના પાણી છેક માધવ માર્કેટ સુધી પહોંચ્યા છે. વરસાદ આવે ત્યારે ઉભી થનારી વધુ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર અત્યારથી આ સમસ્યાનો નિવેડો લાવે એવી સ્થાનિક કક્ષાએ માંગ ઉઠી રહી છે.