તા. ૧૧થી સાત દિવસ વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનોનું ભવ્ય આયોજન : સૌ પ્રથમ વખત મોરબીના આંગણે પધારનારા પૂ. મહંત સ્વામીનું કરાશે જાજરમાન સ્વાગત મોરબી : બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ મચ્છુના તટે આવેલ મોરબીની ધરાએ પધારીને તેને પાવન કરવાના છે. તેઓના આગમન નિમિત્તે ૧૧ જૂને મંગળવાર સાંજે ભવ્યાતિભવ્ય સ્વાગત–સામૈયું યોજવામાં આવશે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૧૧ જૂન મંગળવારથી ૧૭ જૂન સોમવાર સુધી કુલ ૭ દિવસ મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને પારાયણો યોજવામાં આવશે. રાજકોટનું શિરમોર સમું કાલાવડ રોડ પર શોભતું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર જે ગુલાબી પથ્થરથી બનેલું છે. તેવું જ ગુલાબી પથ્થરનું નયનરમ્ય અને હૃદયગમ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મોરબી શહેરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય આત્મીયતાથી આકાર લેવા જઈ રહ્યું છે જેનો શિલાન્યાસ વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પુનિત ઉપસ્થિતિમાં ૧૨ જૂને યોજાશે. મોરબીમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની પદરજથી પરમશાંતિની જ્યોત જગાવી હતી. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે પધરામણીઓ કરીને અને યોગીજી મહારાજે પારાયણો કરીને સત્સંગ મંડળનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજે મચ્છુ દુર્ઘટના બાદ રેલરાહત કરી સેવાયજ્ઞ, પ્રગટાવ્યો હતો અને જ્યાં મહંતસ્વામી મહારાજે આબાલવૃદ્ધ સાથે આત્મીયતા સાધીને ભક્તિની ભરતી ચઢાવી છે. વિશેષ તો કલા, કૌશલ્ય અને કર્મઠતાથી ઉદ્યોગક્ષેત્રે વિશ્વફલકે ચમકતાં આ શહેરે અનુભૂતિ કરી છે. બી.એ.પી.એસ.ના સંયમ, સદાચાર અને સંસ્કૃતિથી શોભતા માનવ શિલ્પોની, મચ્છુ તટે ઉછરેલી આ મયુરપૂરી ધન્યભાગી બની છે. બી.એ.પી.એસ. દ્વારા થતાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારલક્ષી સેવાકાર્યોથી. એટલા માટે જ મોરબી પંથકના લાખો મુમુક્ષુઓની સુખાકારી માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મોરબીના આંગણે નુતન શિખરબદ્ધ મંદિરના નિર્માણનો પ્રારંભ થઈ રહ્યો છે. મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે. પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૭૫, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થશે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા તેમજ શિલાન્યાસ મહોત્સવના ઐતિહાસિક અવસરનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, પૂજ્ય હરિસ્મરણ સ્વામી, પૂજ્ય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું છે. મોરબીમાં પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય શિલાયન્સ મહોત્સવના આયોજન અંગે પૂજ્ય અપૂર્વમુની સ્વામી સાથે ખાસ વાત ચીત...