મોરબી : મોરબી ખાતે આવેલા ઈકવીટી હુન્ડાઈના શોરૂમમાં વિમા એજન્ટ તરીકેનું કામ કરતો તેજસ ભરતભાઇ ઠકરાર રહે. કડીયા પ્લોટ, જોષી મંડપ પાસે, પોરબંદર નામનો વીમા એજન્ટ ગ્રાહકો પાસેથી વીમાના પૈસા લઈ આગળ કંપનીમાં પૈસા ન ભરીને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે ભવિનભાઈ કિશોરભાઈ તલસાણીયાએ ઉં.વ. 33, રહે. નાગેશ્વર જૈન મંદિર પાસે, જામનગર રોડ, શંખેશ્વર 03, એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 504 વાળાએ વીમા એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ હુંડાઈના શો રૂમમાં વિમા એજન્ટ તરીકે કામ કરતો તેજસ ભરતભાઇ ઠાકરાર નામનો વીમા એજન્ટ ગ્રાહકો પાસેથી કારના વીમાના પૈસા લઇ એ પૈસા વીમા કંપનીમાં ન ભરતા પોતાની પાસે જ રાખી લઈને ગ્રાહકો સાથે છેતરપીંડી કરતો હતો. એક ગ્રાહક મયુરભાઈ મનહરભાઈ સનીયારાએ જ્યારે સર્વિસ માટે શોરૂમમાં કાર મૂકી અને સર્વિસના પૈસા વીમા કંપનીમાંથી વસૂલ કરવા માટેની કાર્યવાહી કરી એ દરમિયાન છેલ્લે ભરેલા 21 હજાર રૂપિયા વીમા કંપનીમાં જમા જ ન થયા હોવાનું સામે આવતા કાર શોરૂમના સંચાલક ચોંકી ઉઠ્યા હતા. જે બાબતે તપાસ કરતા કુલ ૬૦ જેટલા ગ્રાહકોના અંદાજે 10 લાખ રૂપિયા વીમાના આ તેજસ નામનો વીમા પોલિસી એજન્ટ ઓળવી ગયો હોવાનું સામે આવતા કાર શો રૂમના સંચાલક સહિત કાર માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પોલીસે આઈ.પી.સી. 406, 420 મુજબ ગુન્હો નોંધી ગ્રાહકોના વીમાના પૈસા લઇ રફુચક્કર થયેલા વીમા એજન્ટ તેજસને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.