એક કર્મચારીએ અન્ય કર્મચારીઓને ગુમરાહ કર્યા હોવાનું અને કોન્ટ્રકટ રીન્યુ ન થતા પગાર અટવાયો હોવાનો ઘટસ્ફોટ પાલિકા પ્રમુખે પગાર ચુકવવાની ખાતરી આપતા કર્મચારીઓ કામગીરી શરૂ કરી દીધી મોરબી : મોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગના 47 જેટલા કર્મચારીઓની પગાર મુદે આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી.ત્યારે આજે પાલિકા પ્રમુખ અને ગેરેજ શાખાના ચેરમેન ફાયર વિભાગની ઓફિસે દોડી ગયા હતા.પાલિકા પ્રમુખે આ કર્મચારીઓ સાથે ચર્ચા કરતા એક કર્મચારીએ તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનું અને કોન્ટ્રકટ રીન્યુ ન થતા પગાર અટવાયો હોવાનો ખુલાસો થયો હતો.ત્યારે પાલિકા પ્રમુખે પગાર ચુકવવાની ખાતરી આપતા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી. મોરબી નગરપાલિકાના ગેરેજ અને ફાયર વિભાગ સાથે જોડાયેલા કોન્ટ્રકટ બેઇઝ પરના 47 કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આ કર્મચારીઓ ગુરુવારથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ કર્મચારીઓના પગાર મુદે યોગ્ય કાર્યવાહી ન કરાતા આજે ત્રીજા દિવસે પણ હડતાલ ચાલુ રહી હતી.જોકે આ કર્મચારીઓએ જો પાલિકા તંત્ર સોમવારથી સુધીમાં બે માસનો પગાર ન ચૂકવે તો ફાયરની આવશ્યક સેવા ખોરવી નાખવાની ચીમકી આપી હતી.જેના પગલે આજે સાંજે પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ગેરેજ વિભાગના ચેરમેન ભાનુબેન નગવાડિયા ફાયર વિભાગની ઓફિસે દોડી ગયા હતા અને કર્મચારીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આ ચર્ચા દરમ્યાન એક કર્મચારીએ પગાર ન મળવા મુદે અન્ય કર્મચારીઓને ગુમરાહ કર્યા હોવાનો ખુલાસો થયો હતો. પાલિકા પ્રમુખે કર્મચારીઓને જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ કોન્ટ્રકટ બેઇઝ પર કામ કરે છે. બીજા મહિનામાં કોન્ટ્રકટ પૂરો થઈ ગયો હતો પણ આ કોન્ટ્રકટ રીન્યુ ન થતા ચીફ ઓફિસરે પણ આ અંગે વારંવાર તાકીદ કરી હતી તેમ છતાં કોન્ટ્રકટ રીન્યુ ન થતા આ પગાર અટકાવ્યો હતો.આમ છતાં પણ ત્રીજા મહીંનાનો પગાર ચૂકવી દીધો હતો અને ચોથા મહિનાનો પગારનો ચેક પણ તૈયાર થઈ ગયો છે.જોકે આ બાબતથી કર્મચારીઓ અજાણ હતા.તેથી પાલિકા પ્રમુખની ખાતરીથી કર્મચારીઓએ સહમતી દર્શાવીને હળતાલ સમેટી લેવાની જાહેરાત કરી છે.