જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ જાહેરમાં ધૂમપાન કે પાનની પિચકારી કરનાર 16 લોકોને દંડ ફટકાર્યો મોરબી : મોરબી પાલિકા તંત્ર દ્વારા પ્લાસ્ટિક જપ્તી અને જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવનાર સામે તવાઈ ચાલી રહી છે.મોરબી પાલિકાએ છેલ્લા ત્રણ દિવસમાં પ્લાસ્ટિકનો વપરાશ કરનાર અને જાહેરમાં ગંદકી ફેલાવનાર 56 લોકોને દંડ ફટકાર્યો હતો.જ્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ જાહેરમાં ધૂમપાન કરનાર કે પાનની પિચકારી મારતા હોય તેવા 16 લોકોને દંડ ફટકાર્યો હતો. મોરબી પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર અને જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવનારને દંડ ફટકારવાની ઝુંબેશ ચાલી રહી છે.જેમાં પાલિકા તંત્રની સેનિટેશન વિભાગની ટીમે બે દિવસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિટકનો વપરાશ કરનાર વેપારીઓ તથા જાહેરમાં કચરો ફેકીને ગંદકી કરતા લોકો મળીને કુલ 56 લોકોને રૂ.5600નો દંડ ફટકાર્યો છે અને 45 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું છે.આ 56 લોકોમાં દુકાનની બહાર ડસ્ટબીન ન રાખ્યું હોય અને કચરો હોય , અને પ્લાસ્ટિકનો વપરાશ કર્યો હોય એવા લોકોનો સમાવેશ થાય છે.એ ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સોશ્યલ વર્કર વિભાગે છેલ્લા ત્રણ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતા હોય કે ધૂમપાન કરતા હોય તેવા 16 લોકોને રૂ.1770 જેટલો દંડ ફટકાર્યો છે.જોકે માત્ર સામાન્ય લોકોને જ દંડ ફટકાર્યો હોવાથી લોકોમાં કચવાટ જોવા મળ્યો છે. નિયમોના પાલન માટે કટિબદ્ધ સરકારી બાબુઓ ચાલુ કચેરીએ ધૂમપાન કરીને કે જ્યાં ત્યાં પાનની પિચકારી મારીને ખુદ જ નિયમોનો ઉલાળીયો કરે છે.ત્યારે આરોગ્ય વિભાગની આ કાર્યવાહીમાં નિયમોની હાંસી ઉડાવતા સરકારી બાબુ સામે કોઈ કાર્યવાહી ન કરતા નિયમો શુ સામાન્ય નાગરિક માટે જ છે તેવો સવાલ ઉઠ્યો છે.