એક મહિનામાં કુલ ૪૨૦ લોકોને શ્વાનોએ બચકા ભર્યાના બનાવ: તંત્ર મુકપ્રેક્ષક અવસ્થામાં મોરબી : મોરબીમા પાલિકા તંત્રની ઢીલી નીતિના કારણે શ્વાનોનો આતંક યથાવત રહ્યો છે. તાજેતરમાં જ શ્વાનોએ અનેક લોકોને બચકા ભરીને તરખાટ મચાવી દીધો હતો. ત્યારે શ્વાનોએ ફરી છેલ્લા ૧૫ દિવસમાં ૧૩૯ લોકોને બચકા ભર્યા હોવાના બનાવો સામે આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. મોરબીમાં પાલિકા તંત્રની મુકપ્રેક્ષક નીતિને કારણે રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે જેમાં ક્યાંક રાહદારીઓને શ્વાનોએ બચકા ભર્યાના તો ક્યાંક ચાલુ વાહનમા લોકોને શ્વાનોએ બચકા ભર્યાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી નગરપાલિકા તંત્રની મોટી મોટી બફાટ વચ્ચે શહેરમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે એ પછી સરકારી હોસ્પિટલમાં હોય કે પછી રહેણાક વિસ્તારોમાં શ્વાનો દ્વારા બચકા ભરવાના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો રહે છે. ગયા મહિનામાં ૩૦૦ લોકોને શ્વાનોએ શિકાર બનાવ્યા હતા. તો છેલ્લા પંદર દિવસમાં શ્વાનો એ બચકા ભર્યાના ૧૩૯ કેસો સિવિલ હોસ્પિટલમાં નોંધવામાં આવ્યા છે. આ આંકડા માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નોંધાયા હોય તેવા કેસના છે. હજુ અનેક કેસો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા પણ નથી. શ્વાનના લીધે વાહનોથી અકસ્માતના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અનેક રજૂઆતો છતાં નિભર તંત્રને લોકોના જીવની કઈ જ ચિંતા ન હોય તેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મુકપ્રેક્ષક બની તંત્ર જાણે મજા લેતું હોય એવો ઘાટ સર્જાયો છે. સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાનો નું રાજ છે અને લોહિયાળ હાલતમાં આવતા દર્દીઓને શ્વાનો પરેશાન કરે છે. છતાં સિવિલ હોસ્પિટલમાં કોઈ તકેદારી રાખવામાં આવતી નથી અને આખી હોસ્પિટલમાં શ્વાનો આંટા ફેરા કર્યા કરે છે. મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ટિમો બનાવી શ્વાનોને પકડવા બાંહેધરી આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાએ શ્વાનોને પકડવા માટેની ટિમો સોમવાર સુધીમાં બનાવી રખડતા શ્વાનોને પકડવાની કાર્યાવહી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું. પરંતુ આવી તો દરેક વખતે જાહેરાત કરવામાં આવે છે પણ શું કોઈનો જીવ જાય પછી જ પાલિકા તંત્ર શ્વાનો પકડવા કાર્યવાહી શરૂ કરશે કે પછી આગમચેતી પગલાં રૂપે સોમવારે આ કાર્યાવહી શરૂ કરવામાં આવશે એ તો આગામી સમયજ બતાવશે. હાલ તો શહેરભરમાં શ્વાનોનો આતંક યથાવત છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.