ટ્રાન્સપોર્ટર દસ વર્ષથી પવિત્ર રમજાન માસમાં લાતીપ્લોટના તમામ ધર્મના કામદારોને નવા બ્રાન્ડેડ કપડાં તથા મોંઘી ગિફ્ટ આપી પ્રેમથી ભોજન કરાવીને કરે છે ખુદાની બંદગી મોરબી : પવિત્ર રમજાન માસમાં જરૂરિયાતમંદોને ખરા અર્થમાં મદદરૂપ બનવું એ જ ખુદાની સાચી બંદગી છે.આ ભાવનાને મોરબીના ટ્રાન્સપોર્ટરે ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે.તેમણે પવિત્ર રમજાન માસમાં લાતીપ્લોટના તમામ ધર્મના કામદારો સાથે સદભાવનાભર્યો વ્યવહાર કરીને નવા બ્રાન્ડેડ કપડાં તથા મોંઘી ગિફ્ટ આપીને પ્રેમથી જમાડ્યા હતા.આ ટ્રાન્સપોર્ટર છેલ્લા દસ વર્ષથી રમજાન માસમાં આ રીતે પરોપકારી કાર્ય કરીને અલ્લાહની બંદગી કરી રહ્યા છે. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.અને રમજાન માસમાં દાનનું ઘણું મહત્વ છે. મોરબીના લાતી પ્લોટમાં આવેલા સોરાષ્ટ્ ટાન્સપોર્ટના માલિક અજિજભાઈ ઠેબાએ રમજાન માસમાં અલ્લાહની સાચી રીતે બંદગી કરવા માટે પરોપકારી કાર્ય હાથ ધર્યું હતું.જેમાં તેમણે મોરબીના લાતી પ્લોટના ક્લોક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ ધર્મના આશરે 200 જેટલા કામદારો માટે અનોખી સેવાપ્રવૃત્તિ કરી હતી અને 200 કામદારોને નવા બ્રાન્ડેડ કપડાં આપ્યા હતા તેમજ ભાવતા ભોજનીયા કરાવ્યા હતા.સાથોસાથ મોંઘી ગિફ્ટ આપી સન્માનિત કરીને ઇદની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે મોરબીના મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસીદ મિયા બાપુ, 'મોરબી અપડેટ'ના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા, ભાજપના નગરસેવક ફારૂકભાઈ મેમણ, ક્લોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આ અનોખા કોમી એકતાના સદભાવનાભર્યા પ્રસંગને દિપાવ્યો હતો. આ અંગે ક્લોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટર અજિજભાઈ ઠેબા લાતી પ્લોટના ક્લોક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ ધર્મના કામદારો પ્રત્યે ભારે સદભાવના ધરાવે છે. કોઈપણ ધર્મના મજૂરની ભાવનાનો આદર કરીને માલિકી ભાવ નહિ પણ ભાઈચારાજેવો જ વ્યવહાર કરે છે.છેલ્લા દસ વર્ષથી તેઓ દરેક રમજાન માસમાં કામદારોને માન સન્માન સાથે પ્રેમથી ભોજન કરવી નવા કપડાં અને ગિફ્ટ ભેટમાં આપે છે. અન્ય લોકો રોઝા રાખીને ખુદાની બંદગી કરે છે.જ્યારે તેઓ મજુરોને અઢકળ ખુશીઓ આપીને અલ્લાહની બંદગી કરે છે.તેઓ કહે છે કે, દરેક વ્યક્તિ એકબીજા સાથે આદર રાખીને સદભાવનાભર્યો વ્યવહાર કરે તો દેશમાં કાયમ અમન અને સુખચેન જ રહેશે.