ભ્રષ્ટચારના આક્ષેપોથી અધિકારીઓ થયા દોડતા હળવદ : દરેક સરકારી કામમાં ભ્રષ્ટાચારનો અવકાશ રહેલો હોય છે એવું સહુ કોઈ માને છે અને આવા બનાવો પણ વારંવાર સામે આવે છે ત્યારે હળવદ તાલુકામાં પણ આવો એક બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનાનું નિર્માણ થઈ રહ્યુ છે. જેમાં એસ્ટીમેટ મુજબની કામગીરી થતી ન હોવાથી આજે ગ્રામજનોએ હલકી ગુણવત્તાનુ કામ અટકાવ્યુ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામના બીમ કોલમ આડેધડ અને લેવલ વગરના બાંધવામાં આવતા હોવાની ફરીયાદને પગલે અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી અને પંચ રોજકામ કરી ક્ષતિઓ દુર કર્યા પછી જ કામગીરી ચાલુ કરવા સુચના આપી હતી. હળવદના નવા દેવળીયા ગામે ૨૨ લાખના ખર્ચે પશુ હોસ્પિટલનુ બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં બાંધકામ એસ્ટીમેટ મુજબ ન થતુ હોવાથી અને ઘણી ખામીઓ જણાતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું. આ પશુ દવાખાનાના બાંધકામમાં કોઈ પણ કોલમ કે ખૂણાનું માપ પૂર્ણ ન હોવાથી ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પશુ દવાખાનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉભી થઈ હતી. જેમાં આ બનાવના પગલે હળવદ બાંધકામ વિભાગના એન્જિનિયર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજુઆત અન્વયે બાંધકામની જાત ચકાસણી હાથ ધરી હતી. નિયમ પ્રમાણે કામ કરવા કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું. તેમજ કોઈપણ કામમાં જરા પણ કચાસ ચાલશે નહીં તેવી કડક સુચના આપવામાં આવી હતી.