10 જૂને પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે મંજૂરી આપવા સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં પાલિકા તંત્ર ડાંડાઇ કરતું હોવાથી સામાજિક કાર્યકરોએ આ મામલે આંદોલન કરવાનું એલાન આપ્યું છે.સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને આ મામલે મંજૂરી માંગીને આગામી 10 જૂને પાલિકા કચરીએ ગાંધી ચિધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ કલેકટર સહિત ઉચકક્ષાએ રજુઆત કરીને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં પાલિકા તંત્ર દ્વારા શહેરના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળની જગ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોના ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે આવાસો બનાવવામાં આવ્યા હતા અને આવાસો પણ તૈયાર થઈ ગયા છે.જોકે આ આવાસો માટે પાલિકા તંત્ર દ્વારા ડ્રો પણ થઈ ચૂક્યો છે અને લાભાર્થીઓ તંત્રએ આવાસો માટે નિયત કરેલી રકમ પણ ભરપાઈ કરી દીધી હતી.તેમ છતાં હજુ સુધી પાલિકા તંત્રએ લાભાર્થીઓને આવાસોની સોંપણી કરી નથી. તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્ર આવાસોની સોંપણી માટે કેમ ડાંડાઇ કરી રહ્યું છે તે પ્રશ્ન લાભાર્થીઓને અકળાવી રહ્યો છે.જોકે સામાજિક કાર્યકરોએ આવાસ યોજનાના લાભાર્થીઓને ન્યાય મળે તે માટે થોડા સમય પહેલા રજુઆત કરીને આંદોલનની ચીમકી આપી હતી.તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.આથી 10 જૂને પાલિકા કચેરીમાં આંદોલન શરૂ કરવા માટે ઉપવાસ આંદોલન ચલાવવા મામલે આ સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને આંદોલનની મંજૂરી માંગી છે.