ગ્રામજનોએ એસ.પી.હાજર રહે પછી જ મંત્રણા કરવાનો હઠાગ્રહ રાખતા મામલો ગુંચવાયો હડમતીયા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતરે જવાના રસ્તા બંધ કરી દેવાના મુદે એક મહિલાએ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ સહિત ચાર સામે એટ્રોસીટી ફરિયાદ નોંધાવતા મામલો તંગ થઈ ગયો હતો. ગામલોકોએ આ ફરિયાદ ખોટી નોંધાવી હોવાનું જણાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે આજે આ અંગેની શાંતિ સમિતિની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા ગામલોકો રોષે ભરાયા હતા અને એસ.પી. ન આવે ત્યાં સુધી મંત્રણા કરવાની ના પાડીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. હડમતીયા ગામે આવેલા ડાકા પરિવારના ખેતરે જવાના માર્ગને ગામના અન્ય પરિવારે ખોદી નાખીને બંધ કરી દેતા મામલો તંગ બન્યો હતો. બાદમાં આ પરિવારની મહિલાએ ડાકા પરિવારના ત્રણ સભ્યો અને જિલ્લા પંચાયતના સદસ્ય સામે ઍટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગ્રામજનોએ આ ફરિયાદ ખોટી હોવાનું જણાવીને ગઈકાલે કલેકટરને આવેદન પાઠવીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલો ગંભીર હોવાથી અધિકારીની સૂચનાને કારણે આ ગામમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસ.પી., ડી.વાય.એસ.પી.સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. એની જગ્યાએ આજે આ શાંતિ સમિતિની બેઠકમાં એકમાત્ર એક પીએસઆઈ જ હાજર રહેતા ગ્રામજનોએ આ બાબતે ભારે વિરોધ કર્યો હતો. આથી ડી.વાય.એસ.પી. બન્નો જોશી હડમતીયા ખાતે દોડી ગયા હતા. પણ ગ્રામજનોએ એસપીની હાજર રહેવાનો હઠાગ્રહ રાખ્યો હતો. આથી.ડી.વાય એસ.પી.એ કહ્યું હતું કે, એસપી બહાર છે હું એમના ચાર્જમાં છું. એથી તમાંરા તમામ મુદ્દાઓ આપો એના અંગે યોગ્ય કાર્યવાહી થશે. પણ ગ્રામજનોએ એસપીને હાજર રાખવાનો હઠાગ્રહ રાખતા મામલો વધુ ગુંચવાયો છે. [gallery ids='56941,56942,56943']