ટ્યુશન કલાસીસ એસો.એ પાલિકા તંત્રને આવેદન આપી તાકીદે ફાયર ઓફિસરની નિમણુક કરીને ટ્યુશન કલાસીસ શરૂ કરવા એન.ઓ.સી.આપવાની માંગ કરી ટ્યુશન કલાસીસ શરૂ નહી થાય તો સંચાલકો આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવી ગર્ભિત ચેતવણી અપાઈ મોરબી : સુરતની ગોઝારી દુર્ઘટના પછી મોરબીમાં તંત્રએ ફાયર સેફટીના અભાવે જોખમી રહેલા તમામ ટ્યુશન કલાસીસ બંધ કરાવી દીધા હતા. તેથી આજે મોરબીના ટ્યૂશન ક્લાસિસના સંચાલકોએ ફરી ટ્યુશન કલાસીસને શરૂ કરવા માટે પાલિકા તંત્રને આવેદન આપ્યું હતું અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટ્યુશન કલાસીસ શરૂ કરવા જરૂરી હોય તથા ટ્યુશન કલાસીસ શરૂ ન કરાઇ તો સંચાલકો આર્થીક ભીંસથી આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવી ગર્ભિત ચેતવણી આપીને તાકીદે ફાયર ઓફિસરની નિમણુક કરીને એન.ઓ.સી.આપવાની માંગ કરી છે. મોરબી ટ્યુશન કલાસીસ એસોસિએશનના નેજા હેઠળ સંચાલકોએ આજે પાલિકા તંત્રને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરતની ગોઝારી ઘટના પછી મોરબીમાં તંત્રએ એક્શન પર આવીને તમામ ટ્યૂશન કલાસીસને જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા ન મળે ત્યાં સુધી બધ કરી દીધા છે. ત્યારે સુરતની કમનસીબે બનેલી ઘટના બાબતે ઊંડું દુઃખ વ્યક્ત કરીને મોરબીના તમામ ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ સુરતના હતભાગી બાળકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી આપી હતી. બાદમાં ટ્યુશન કલાસીસના સંચાલકોએ ફરી ટ્યૂશન કલાસીસ શરૂ કરવા પાલિકા પ્રમુખ અને પોલીસને રજુઆત કરતા તેમણે આ પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. તેમજ કલેકટરને પણ રજુઆત કરીને ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરવાની હૈયાધારણા આપીને ટ્યુશન કલાસીસ શરૂ કરવાની માંગ કરી હતી. ત્યારે આજે પાલિકા તંત્રને રજુઆત કરીને સુરત જેવી ઘટના મોરબીમાં ન બને તે માટે તંત્રએ ફાયર સેફટીના બનાવેલા તમામ નિયમોને અનુસરીને અને આ અંગેની ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન થોડા સમયમાં જ કરવાની ખાતરી આપી હતી. વળી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ધો.10 અને12 બોર્ડની પૂરક પરીક્ષાઓ શરૂ થવાની હોય તેના કોચિંગ માટે ટ્યૂશન ક્લાસિસની જરૂર રહે છે. ત્યારે વિધાર્થીઓને વહેલીતકે શિક્ષણ આપી શકાય તે માટે ટ્યુશન કલાસીસ શરૂ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કોમ્યુટર કલાસીસ, ડાન્સ કલાસીસ, સ્વીમીંગ કલાસીસ સહિતના શિક્ષણ તથા ઇતર પ્રવૃત્તિઓના ક્લાસિસો વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલું જ નહીં સંચાલકો માટે આજીવિકાનું સાધન છે, એટલે ટ્યુશન કલાસીસ ચાલુ ન કરાઇ તો આર્થીક ભીસથી કંટાળી આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડશે તેવી સંચાલકોએ ગંભીર ચેતવણી આપી છે. જ્યારે હોસ્પિટલો, સિનેમા, શોપિંગ મોલ સહિતના જાહેર કોમર્શિયલ સ્થળો ચાલુ છે. ત્યારે માત્ર ટ્યુશન કલાસીસ જ બંધ છે, તેથી નિયમોને આધીન આ ટ્યુશન ક્લાસિસને એન.ઓ.સી.આપવાની માંગ કરી છે અને એન.ઓ.સી. ન અપાઈ તો જાહેર બગીચામાં બેસવા દેવાની મંજુરી આપવાની પણ માંગ કરી હતી. પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ કલેકટર અને ચીફ ઓફિસર સાથે વાત કરીને આ પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.