પોતાના જ વિભાગમાં કામ કરતા જરૂરિયાતમંદ જીઆરડી જવાનના દિવ્યાંગ બાળકની મદદ કરીને પોલીસ અધિકારીએ ખરા અર્થમા લોકસેવાને ચરિતાર્થ કરી મોરબી : મોરબી એસઓજીના પીઆઇ જે.એમ. આલે પોતાના વિભાગમાં કામ કરતા જરૂરિયાતમંદ જીઆરડી જવાનના દિવ્યાંગ બાળકને કાનનું મશીન અર્પણ કરીને માનવતા મહેકાવી હોવાનો પ્રેરણાદાયી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોતાના વિભાગમાં કામ કરતા એક કર્મચારીના પુત્રને મદદરૂપ થઈને આ અધિકારીએ લોકસેવાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. મોરબી એસ.ઓ.જી શાખામાં જી.આર.ડી.તરીકે ફરજ બજાવતા નરેશભાઈ હરીભાઇ હડિયલનો પુત્ર પ્રીતકુમાર નરેશભાઈ હડિયલ જન્મથી જ કશું સાંભળી શકતો ન હતો. તેમની આર્થિક પરિસ્થિતિ પણ સામાન્ય હતી. તેમ છતાં અનેક હોસ્પિટલોમાં રિપોર્ટ અને સારવાર કરાવ્યા છતાં સાંભળવામાં કોઈ ફેર ન પડ્યો હતો. ત્યારે એસ.ઓ.જી પી.આઇ. જે.એમ.આલને વાત કરતા તેમણે અમદાવાદ તેમજ ભુજ કાનનાં તમામ રિપોર્ટ કરાવડાવી મોરબીની એપલ હોસ્પિટલનાં કાનનાં ડોક્ટર પાસે સારવાર કરાવી રૂ.54,000-/ જેટલી માતબર રકમનું કાનનું મશીન ખરીદી પ્રીતકુમાર હડિયલને અર્પણ કર્યું છે. મોરબી એસઓજીના ઇન્સ્પેક્ટર જે.એમ.આલે જરૂરીયાતમંદ જીઆરડી જવાનના પુત્રની મદદ કરીને માનવતા મહેકાવી છે. ત્યારે જીઆરડી જવાને પણ પોલીસ અધિકારીનો મદદ કરવા બદલ લાગણીસભર આભાર વ્યક્ત કર્યો હતો.